સુરતઃ મહિધરપુરા વિસ્તારમાં વેપાર કરતાં વરાછાના હીરાવેપારીએ રૂ. 25 કરોડમાં ઊઠમણું કરતાં ચકચાર મચી છે. આ ઊઠમણામાં અંદાજે 25 જેટલા હીરાવેપારીના રૂપિયા ફસાયા છે.
હીરાઉદ્યોગની નબળી સ્થિતિને કારણે ઊઠમણાંની ઘટના વધી રહી છે. છેલ્લાં 2 વર્ષથી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર માઠી અસર બેઠી છે. ડાયમંડના એક્સપોર્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાંથી એક્સપોર્ટ થતાં કુલ હીરામાંથી 60 ટકા તૈયાર હીરાની ખરીદી અમેરિકાના વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. હાલ અમેરિકા અને હોંગકોંગમાં મંદીનું વાતાવરણ હોવાથી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર વિપરીત અસર પડી છે. નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની માગમાં પણ ઘટાડો થયો છે. હાલ ડાયમંડની ડિમાન્ડ ન હોવાથી નેચરલ ડાયમંડનાં કારખાનાંમાં ઉનાળાની 7થી 10 દિવસની રજાની જગ્યાએ 15થી 20 દિવસ સુધીની રજા જાહેર કરાઈ છે. ઊઠમણું કરનારો વેપારી સૌરાષ્ટ્રનો વતની છે. તેણે વિવિધ વેપારી પાસેથી રફ અને તૈયાર હીરા ઉધારમાં ખરીદ્યા હતા.