રાજપીપળાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓ આવી શકે અને બે રાજ્યોની સંસ્કૃતિનાં દર્શન કરી શકે તે માટે કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર વચ્ચે ક્રૂઝ સેવા દિવાળી આસપાસ શરૂ કરવામાં ચાલશે. જેના દ્વારા નદીમાં 120 કિ.મી. મુસાફરી થઈ શકશે.
મધ્યપ્રદેશમાં ક્રૂઝ ટુરિઝમ માટે મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે. આ કરાર હેઠળ કોલકાતાથી મધ્યપ્રદેશના કુક્ષી માટે બે ફ્લોટિંગ જેટી (પોન્ટૂન) મોકલ્યા છે. આ જેટીનો ક્રૂઝના ટર્મિનલરૂપે ઉપયોગ થશે. ઓમકારેશ્વર સ્થિત એકાત્મ ધામ (સ્ટેચ્યૂ ઓફ વનનેસ)થી કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝ ચલાવવાની દરખાસ્ત છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને બે ફ્લોટિંગ જેટી અપાશે, જેમાંથી મધ્યપ્રદેશને આ જેટી પહોંચાડવામાં આવી છે. મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે નર્મદા નદીમાં કોઈપણ અવરોધ વિના ક્રૂઝની અવરજવર સુનિશ્ચિત થશે. કેવડિયાથી ચંદનખેડી, કુક્ષી સુધીના 120 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.