ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણી થવાની છે. રાજ્યમાં ક્ષત્રિય આંદોલન અને હીટવેવના પગલે ભારતના ચૂંટણી પંચે સુરત પોલીસ બંદોબસ્તની સાથે મેડીકલ ટીમોને ખડેપગે રહેવાનો આદેશ આપ્યો હતો. 4.97 કરોડ મતદારો માટે કુલ 50,788 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ હતી. લોકસભાની ચૂંટણીમાં 19 મહિલાઓ સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 23 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે કોંગ્રેસે ગઠબંધન કર્યું હોવાથી ભરૂચ અને ભાવનગર બેઠકોમાં ભાજપની સ્પર્ધા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે છે. ક્ષત્રિય આંદોલન અને અલગ અલગ કારણોસર રાજ્યના 30 હજારથી વધુ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે.