2024માં વિશ્વમાં મોટાભાગના લોકશાહી દેશો ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યાં છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારત દેશના મતદારો પણ આગામી પાંચ વર્ષ માટે દેશનું સુકાન સોંપવા નેતૃત્વ પસંદગી માટે ઉત્સાહભેર ચૂંટણી યજ્ઞમાં ભાગ લઇ રહ્યાં છે પરંતુ ભારતના 21મી સદીના રાજકીય નેતાઓના વાણીવિલાસે ભારતીય રાજનીતિનું અધઃપતન કર્યું છે. મુદ્દા આધારિત અને તર્કસભર રાજકીય નિવેદનોનો જાણે કે સદંતર અભાવ વર્તાઇ રહ્યો છે. ધાર્મિક સમુદાય વિષયક, જાતિ અને સમુદાય વિશેષ વિષયક રાજકીય નિવેદનોના આધારે જ જાણે કે ચૂંટણી લડાઇ રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. આવા નિવેદનોના આધારે ભારતીય મતદાર પણ ધાર્મિક અને જાતિ ધ્રુવીકરણમાં સંડોવાઇ રહ્યો છે. ભારતીય રાજનીતિનું સૌથી મોટું દુર્ભાગ્ય એ રહ્યું છે કે હવે બૌદ્ધિક લોકોએ રાજનીતિમાં આવવાનું બંધ કરી દીધું છે. બૌદ્ધિકોની આ ગેરહાજરીના પગલે રાજનીતિ પણ નિમ્ન સ્તરની બની રહી છે. ઉમેદવારોની યાદી પર નજર નાખો તો તેમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા ઉમેદવારો કરતાં અભણ અને અત્યંત પાંખું શિક્ષણ પ્રાપ્ત કરનારા ઉમેદવારોની તો જાણે કે ફોજ દેખાઇ રહી છે. આવી સ્થિતિમાં મતદાર મુદ્દા આધારિત અને તર્કસભર રાજનીતિની આશા પણ કેવી રીતે રાખી શકે. નેતાઓના બેફામ અને તર્કવિહિન વાણી વિલાસની સામે કાર્યવાહી કરવામાં ભારતનું ચૂંટણી પંચ પણ વામણું પૂરવાર થઇ રહ્યું છે. ઉમેદવારની સામે પગલાં લેવા આચાર સંહિતાના ઉલ્લંઘન માટેના નિયમોની મસમોટી માયાજાળ હોવા છતાં આ પ્રકારના નેતાઓ સામે ભાગ્યે જ આકરાં પગલાં લેવાતાં હોય છે અને તેના કારણે જ તેઓ બેફામ બની રહ્યાં છે. ભારતીય લોકસભાની વર્તમાન ચૂંટણીમાં બેફામ વાણીવિલાસ અને પાયાવિહોણા આરોપ-પ્રત્યારોપની જાણે કે વણઝાર ચાલી રહી છે. આ તંદુરસ્ત લોકશાહીના લક્ષણો નથી. ભારતીય લોકશાહીને પ્રબળ અને પ્રબુદ્ધ બનાવવા માટે સમાજના બૌદ્ધિકોએ આગળ આવવું જ પડશે નહીંતર જેમ રામના નામે પથરા તરી ગયા હતા તેવી જ રીતે એક પ્રભાવશાળી નેતાના નામે આ પ્રકારના વાણીવિલાસ કરનારા નેતાઓ રાજનીતિમાં સફળતાની વૈતરણી પાર કરી રહ્યાં છે તે સિલસિલો જારી જ રહેશે.