લોકસભા ચૂંટણીમાં 10 વર્ષનું સૌથી ઓછું 55.22 ટકા મતદાનઃ પેટાચૂંટણીમાં 56.56 ટકા

Tuesday 07th May 2024 05:48 EDT
 
 

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માટે મંગળવારે 7 મેએ ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતાં પહેલેથી જ ભાજપને ફાળે ગઈ છે. ગુજરાતની 25 લોકસભા માટે સરેરાશ મતદાન 55.22 ટકા, જ્યારે વિધાનસભાની 5 બેઠક પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર માટે સરેરાશ 56.56 ટકા મતદાન થયું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે.
25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટિંગ કરાયું
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50 ટકાથી વધુ એટલે કે રાજ્યના કુલ 50,788 પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું.
ભારતના ચૂંટણીપંચની સૂચના પ્રમાણે રાજ્યકક્ષાએ મોનિટરિંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લાકક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત્ કરવામાં આવ્યો હતો. જે-તે જિલ્લાનાં મતદાન મથકોના લાઇવ વેબકાસ્ટિંગનું આ જિલ્લાકક્ષાના મોનિટરિંગ રૂમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણીપંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરિંગ કરવામાં આવ્યું.
રૂપાલા, માંડવિયા, ધાનાણી પોતાની બેઠક પર ન કરી શક્યા મતદાન
લોકશાહીના ચૂંટણી પર્વમાં યોજાયું, ત્યારે ત્રણ એવા ઉમેદવાર છે જે પોતે જ પોતાને મતદાન કરી શક્યા નથી. સૌરાષ્ટ્રમાં ચૂંટણી લડી રહેલા ભાજપના બે કેન્દ્રીય મંત્રી રૂપાલા અને માંડવિયા પોતે જ પોતાને મત ન આપી શક્યા, ત્યાં સુધી કે તેમના પરિવારજનો પણ તેમને મત ન આપી શક્યા. રાજકોટના કોંગ્રેસ અને ભાજપ એમ બંને પ્રતિસ્પર્ધી ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી અમરેલી બેઠકથી મતદાર છે અને તેઓ રાજકોટ ખાતે ચૂંટણી લડી રહ્યા હોવાથી પોતે જ પોતાનો મત આપી શક્યા નથી. આવી જ રીતે પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા પણ ભાવનગર બેઠકના મતદાર છે, એટલે પોતે જ્યાં લડી રહ્યા છે ત્યાં રહેવાનું હોવાથી મતદાનથી વંચિત રહ્યા છે. માંડવિયાના હરીફ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પોરબંદર લોકસભાના મતદાર તરીકે છે, એટલે મતદાન કરી શકશે. બાકીના જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ચૂંટણી લડી રહ્યા છે અને મતદાન અધિકાર પોતાના મત વિસ્તારમાં જ
વાપરી શકશે.
કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રૂપાલા, માંડવિયાનું ભાવિ સીલ
ગુજરાતમાં લોકસભાની 25 પૈકી 23 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા છે. મંગળવારે 7 મેએ ગુજરાતની 25 બેઠક પર મતદાન થયું, તેની સાથેસાથે વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી પણ યોજાઈ. જોવાનું એ છે કે વિપક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં ઉછાળેલા ક્ષત્રિય આંદોલન, ચૂંટણી ઢંઢેરા સહિતના મુદ્દાને જોતાં લોકો દ્વારા ભાજપને કેટલા મત આપવામાં આવ્યા છે, કારણ કે આ તમામ બેઠકોમાં કોંગ્રેસના બળવાખોરો ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં આમ તો 26 ઉમેદવારો છે, પરંતુ ભરૂચ અને ભાવનગરની બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડતી હોવાથી કોંગ્રેસે ઉમેદવારો ઊભા રાખ્યા નથી. આ ચૂંટણીમાં રાજકોટથી પરસોત્તમ રૂપાલા, ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નવસારીથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું ભાવિ મતપેટીમાં બંધ થઈ ચૂક્યું છે. રાજ્યની બનાસકાંઠા બેઠક પર બે મહિલા વચ્ચે ટક્કર છે. આ બેઠક પર ભાજપનાં ડો. રેખાબહેન ચૌધરી સામે કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ થયો છે.
40 જેટલા નાના-મોટા પક્ષ ચૂંટણી મેદાનમાં
લોકસભાની ચૂંટણીમાં આ વખતે 40 જેટલા નાના-મોટા પક્ષોએ પણ ઝુકાવ્યું છે. જેમાં ધનવાન ભારત પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, આપ કી આવાઝ પાર્ટી, વીરોં કે વીર ઇન્ડિયા પાર્ટી જેવા અવનવાં નામ ધરાવતી પાર્ટીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથેની સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, ડ્રાઇવરોના નામે જન સેવા ડ્રાઇવર પાર્ટી પણ મેદાનમાં છે.


comments powered by Disqus