અમદાવાદઃ ગુજરાતની ઓળખમાં એક નવું ઘરેણું ઉમેરાવા જઈ રહ્યું છે. અમદાવાદની ગ્લોબલ ટેક નામની કંપનીએ એવી ટેક્નોલોજી વિકસાવી છે, જેનાથી ભારતીય સેનાના જવાનો પાસે રહેલાં હથિયારની ચોક્કસ પોઝિશન જાણી શકાશે. આ હથિયાર સૈનિકના હાથમાં હોય, જમીન પર મૂકેલું હોય કે જમીનની અંદર દાટી દેવામાં આવે, છતાં એના લોકેશન અને કઈ પોઝિશનમાં છે એ ટ્રેક કરી શકાશે. આ ટેક્નોલોજી જીપીએસ કરતાં પણ એડવાન્સ હોવાના દાવા થઈ રહ્યા છે.
ગ્લોબલ ટેક કંપનીના એમ.ડી. પંકજ શાહે અમદાવાદમાં બનનારું એક નાનકડું ડિવાઇસ સુરક્ષાની દૃષ્ટિએ કેવી રીતે મહત્ત્વની ભૂમિકા ભજવશે અને એની ખાસિયત શું છે તે અંગે જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈપણ વસ્તુમાં જીપીએસ લગાવી ટ્રેક કરી શકાય છે, પણ જીપીએસ ત્યારે જ વ્યવસ્થિત રીતે કામ કરી શકે જ્યારે એ ખુલ્લા આકાશ નીચે હોય, જ્યારે સેનાના જવાનો ટનલ, બંકર કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એરિયામાં હોય ત્યારે જીપીએસ કામ કરતું નથી. આવા સંજોગોમાં અમે બનાવેલું 9 એક્સિસ ઇનર્શિયલ નામનું ડિવાઇસ કામ આવી શકે છે, જેની મદદથી વર્ચ્યુઅલ લોકેશન મેળવી શકાય છે.