પોરબંદરઃ 2 ઓક્ટોબરે ગાંધીજયંતી નિમિત્તે પોરબંદરમાં ગાંધી જન્મસ્મારક ખૂલ્યું જ નહીં. ઉલ્લેખનીય છે કે, હેરિટેજ જન્મ સ્મારકની ઇમારત જર્જરિત થઈ ગયા બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગે અઢી વર્ષ સુધી કશું જ કર્યું નહીં. આખરે છેલ્લા 8 માસથી કામ શરૂ કર્યું, પરંતુ હજુપણ પૂરું થયું નથી. પોરબંદરમાં જે સ્થળે ગાંધીજીનો જન્મ થયો તે સ્થળ પાસે ગાંધી જન્મ સ્મારક બનાવવાનો નિર્ણય કરાયો હતો, જે અંતર્ગત કીર્તિમંદિર બનાવાયું, જેનું સંચાલન આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા હસ્તક રખાયું છે. જો કે તેમાં ઘોર બેદરકારી સામે આવી રહી છે.
ગાંધીજીના જન્મસ્થળની ઇમારત ઉપરનો હિસ્સો અઢી વર્ષથી જર્જરિત હતો, જેનું સમારકામ ડિસેમ્બર 2023માં શરૂ કરાયું હતું, પરંતુ 8 માસ બાદ પણ તે પૂર્ણ ન થતાં ગાંધી જયંતીએ પણ પ્રવાસીઓ માટે આ સ્મારક ખૂલ્યું નહીં અને માત્ર એક જ ઓરડો પ્રવાસીઓ નિહાળી શકે છે. અહીં મ્યુઝિયમ માટે નીચે એક ઓરડો, ઓફિસ અને ઉપર મ્યુઝિયમ છે.
મુખ્યમંત્રીની પણ એક રૂમની જ મુલાકાત
દર 2 ઓક્ટોબરે મુખ્યમંત્રી ગાંધી જન્મસ્મારકની મુલાકાત છે, પરંતુ છેલ્લાં 3 વર્ષથી સ્મારકની બાજુમાં આવેલા જન્મસ્થળનું મકાન જર્જરિત હોવાથી માત્ર એક રૂમની મુખ્યમંત્રી મુલાકાત લે છે અને બાકીના વિભાગોની મુલાકાત લઈ શકતા નથી.
હાલ સમારકામની શું સ્થિતિ?
મહાત્મા ગાંધીજીના જન્મસ્થળના ફ્લોરિંગ, બારી-દરવાજા, પ્લાસ્ટરનું સમારકામ કરાયું છે. અંદાજે રૂ. 25થી 30 લાખના ખર્ચે આ સમારકામ હાથ ધરાયું છે, જેમાં ચૂનો, ઇંટનો ભૂકો, રેતી, ગોળ, ગુંદર સહિતનું મટિરિયલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, તેમજ આ બિલ્ડિંગમાં આવેલી છતના પીઠિયા પણ બદલાયા છે. વર્ષો પહેલાં કરાયેલા લાઇટિંગ ફીટિંગમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.