દંતેવાડાઃ છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલીઓ વિરુદ્ધ પોલીસે નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 40 નક્સલી માર્યા ગયા હોવાના અહેવાલ છે. નારાયણપુરના એસ.પી. પ્રભાતકુમારના જણાવ્યા અનુસાર નારાયણપુર અને દંતેવાડાની બોર્ડર પર નક્સલીઓની ઉપસ્થિતિની જાણ થયા બાદ સુરક્ષાદળો નક્સલવિરોધી અભિયાન માટે રવાના થયા હતા. સુરક્ષાદળો તે જગ્યાએ પહોંચતાં નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યાર બાદ જવાનોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો.
નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર અબુઝમાડ વિસ્તારમાં આ ઓપરેશનમાં નારાયણપુર અને દંતેવાડાના જવાનોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. ઓપરેશનમાં માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ પણ કબજે કરી લેવાયા છે.
આ વર્ષે બસ્તરમાં 171 નક્સલીઓ ઠાર
આ વર્ષે અત્યાર સુધીમાં બસ્તર ક્ષેત્રમાં જુદીજુદી અથડામણોમાં સુરક્ષાદળોએ કુલ 171 નક્સલીને ઠાર કર્યા છે. આ ક્ષેત્રમાં દંતેવાડા અને નારાયણપુર સહિત 7 જિલ્લા સામેલ છે. થોડા દિવસ પહેલાં જ નારાયણપુર જિલ્લામાં અથડામણમાં રૂ. 41 લાખના ઇનામી 3 નક્સલી માર્યા ગયા હતા, જેમાં 25 લાખનો ઇનામી રૂપેશ પણ સામેલ હતો. તે નક્સલીઓની કંપની નંબર-10નું નેતૃત્વ કરતો હતો અને મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં સક્રિય હતો.