(ગત સપ્તાહથી ચાલુ)
શશી જાણતો હતો કે આ બધો ભ્રમ હતો. માત્ર તેનું ક્ષુબ્ધ મન આવા આવા ઓળાઓ પોતાની આસપાસ રજૂ કરતું હતું, પણ છતાં એ ઓળાઓનો તેને ભય તો લાગ્યો જ. ફરી પાછો કોટને જરા ઠીક કરી તેણે આગળ પગલાં માડ્યાં. ચાલતાં ચાલતાં આજુબાજુ કોઈ માણસ ચાલી જતું હોય તો કેવું સારું તેમ તેને થયું. તો તો આ કશી ભ્રમણાઓ પણ પોતાને ન નડે? પણ ચાર ડગલાં ચાલ્યો ત્યાં પાછી એની એ ભ્રમણાઓએ એને ચારે બાજુથી વીંટી લીધો.
‘ઠંડી કેટલી છે?’ તેણે પોતાના ધ્રૂજતા મનને પૂછયું. ‘ખૂબ.’ જવાબ આવ્યો. ઝાઝો વિચાર કર્યા વિના તે પાછો વળી ગયો. પ્રબોધના ઘરથી તે હજી કંઈ બહુ દૂર ગયો નહોતો. એના ઘર ભણી તે ઉતાવળાં પગલાં માંડી રહ્યો.
ત્યાં પણ અંધારું થઈ ગયું હતું. તે લોકોએ દીવો ઓલવી નાખ્યો હતો. બેએક પળ બૂમ મારવી કે નહીં તેના વિચારમાં તે ઊભો રહ્યો. નીલીનું જે મોહક હાસ્ય તેણે સંતૃપ્તિની ક્ષણે ચિત્તમાં સાચવી રાખ્યું હતું તે ફરી પાછું દેખાતાં તેણે બૂમ મારી: ‘પ્રબોધ, નિમુબહેન.’
નિદ્રાઘેરો અવાજ અંદરથી આવ્યો: ‘કોણ છે!’
‘એ તો હું.’
‘કોણ શશીભાઈ?’ અંદર પદસંચાર થઈ રહ્યો.
અમુક ક્ષણોમાં તો તે પાછો પ્રબોધના ઓરડામાં દાખલ થઈ ગયો.
‘કેમ શશી, કેમ પાછો આવ્યો?’ પ્રબોધે પૂછ્યછયું.
માણસોને જોતાં શશીની બીક હઠી ગઈ. તેણે કહ્યું :
‘ઠંડી બહુ પડે છે તેથી મને થયું કે તમારી શાલ સાથે લેતો જાઉં.’
તે આવ્યો ત્યારે જ તેનો ચહેરો નિમુએ જોયો હતો. તેથી કે શાથી એ તો કોણ જાણે, પણ તેણે કહ્યું: ‘હું તો ફરી કહું છું શશીભાઈ, કે તમે રાત અહીં જ રોકાઈ જાઓ. ઠંડી અને અંધારું બન્ને કેટલાં છે?’
‘ના, મારે જવું તો જોઈએ જ,’ શશી હવે પોતે પળ માટે પણ ભય કેમ પામી શક્યો તે સમજી નહોતો શકતો. પોતાના મનથી પણ પોતાને બીકણ ગણવા તે રાજી નહોતો.
નિમુએ છતાં પણ તેને રોકાઈ જવા આગ્રહ કર્યો, પ્રબોધે પણ તેમાં થોડોઘણો સૂર પુરાવ્યો, પણ શશી ન રોકાયો. શાલને શરીર આસપાસ બરોબર લપેટી તે ફરી પાછો ચાલતો થયો.
અને નિ:શબ્દ, સ્તબ્ધ રાત્રિ ફરી પાછી તેનું સ્વાગત કરી રહી. પણ આ વખતે તેણે ભયને મારી હઠાવ્યો હતો. હવે તો ભય ન જ પામવો તેવું નક્કી કરી તેણે પ્રબોધના ઘરના પ્રકાશમાંથી આ અંધકારમાં પ્રવેશ કર્યો હતો. તે ઝડપબંધ આગળ ને આગળ પગલાં માંડી રહ્યો. વિચારો તો હજી તેના મનમાં ચાલુ જ હતા. નીલી પણ એ વિચારોમાં ગૂંથાઈ ગયેલી હતી. છતાં હવે તેને ભય નહોતો લાગતો.
‘હું ભય પામ્યો!’ તે મનમાં હસ્યો. ‘આવી તો અનેક અંધારી રાત્રિઓ મેં ઓળંગી કાઢી છે. એમાં બીવાનું શું હતું?
નીલી વિશે પણ તે હવે સ્વસ્થતાથી વિચાર કરી શક્યો.
‘બીજાં સાથે એ ગમે એવી હશે પણ મને તો એ ચાહતી હોં! ખરેખર!’ એ વિચારે એનું પુરુષાભિમાન સંતોષ પામ્યું.
એમ ને એમ ઘરોવાળો પ્રદેશ પૂરો થયો. હવે તો રણ આવી પહોંચ્યું. ત્યાં પણ અંધારું તો એટલું જ હતું, પણ વિશેષ ગાઢ લાગ્યું. ઘરોનો આશ્રય જતાં ઠંડી તો ખરેખર બલવત્તર બની.
‘કોઈક નિર્જન જગ્યાએ મરી જાઉં, તમને યાદ કરતી કરતી, તો કેવી મઝા આવે?’ આ નિર્જન પ્રદેશ આવતાં નીલીના શબ્દો તેને યાદ આવ્યા. ‘અંતે એ બિચારી મરી ગઈ, મને યાદ કર્યો હશે કે નહીં? કોણ જાણે!’ પણ મરી ત્રાસ પામીને, રોગોના રાજા ક્ષયથી. મેં તો એને છેલ્લા દિવસોમાં જોઈ જ નહીં. કેવીક લાગતી હશે એ છેલ્લે છેલ્લે?
તેના મનમાં છેલ્લા વખતની નીલીને એક ભયંકર મૂર્તિ રચાઈ ગઈ – આંખો ઊંડી ઊતરી ગયેલી, મોઢું છેક બિહામણું બની ગયેલું. એવી કલ્પનાથી જ એ ધ્રૂજી ઊઠ્યો. અને ત્યાં જ એક ચીસ પાડી તે ઊભો થઈ ગયો. તેના પગ નીચે કશુંક દબાયું અને તે ગોળાની જેમ ઊછળ્યું. તેના ભસવાથી શશી સમજી શક્યો કે એ તો માત્ર એકાદ કૂતરું જ હતું. પણ એ જ્ઞાને એનું ધબકતું હૈયું ધબકતું અટકી ન શક્યું. કોઈ અચિન્તવ્યા ભયે ફરી પાછો તેનો કબજો લઈ લીધો.
ફરી પાછી ભૂતાવળ શરૂ થઈ ગઈ.
‘કેવી લાગતી હશે એ નીલી?’ બીતાં બીતાં તેને વિચાર આવ્યો.
ક્ષયગ્રસ્ત નીલીની પળ પહેલાં જ તેણે જે કલ્પના કરી હતી તેથીય ભયંકર સ્વરૂપ ધારી જાણે તે તેની સામે ઊભી હોય તેમ તેને લાગ્યું. એના દાંત મોટા બની પોતા સામે ભયંકર હાસ્ય કરતા હતા.
શશી આંખો મીંચી ગયો. આગળ ચાલવા તેણે ડગલું ઉપાડ્યું, પણ તે જાણે ત્યાં જ જડાઈ ગયો હોય તેમ લાગ્યું. આંખો ઉઘાડી. ત્યાં કશુંય નહોતું. માત્ર અધારું જ હતું.
પણ તે હવે તેને પહેલાં કરતાં વધારે ભયંકર લાગવા માંડ્યું. તેણે જલદી ઘેર પહોંચી જવા દોડવા પ્રયત્ન કર્યો. થોડું દોડ્યો પણ ખરો. જાણે પાછળ કોઈ દોડતું આવતું હોય તેમ તેને લાગ્યું, પણ તે પાછળ જોવા હિંમત ન કરી શક્યો.
અનેક ભયોને તેણે નાનપણમાં જાગ્રતમાંથી અજાગ્રતમાં હડસેલી દીધા હતા. આજે ઓચિંતા જ તે બધા એ અજાગ્રતમાંથી અતિ-જાગ્રતમાં આવી ભીંસાભીંસ કરી રહ્યા, ઘમસાણ મચાવી રહ્યા. દુઃખમાં દુઃખ ઉમેરાય તેમ તેને આજે જ પ્રબોધે કહેલું એક વાક્ય યાદ આવ્યું: ‘એ નીલી મંગળનો એવો જીવ લેતી’તી કે ભૂત થઈને એને વળગી નથી એ જ નવાઈ.’
ખરેખર નીલી ભૂત થઈ હોય તો? આ બધા એના જ ચાળા હોય તો? શશી ભૂતમાં માનતો નહોતો. આ બધી એના મનની જ ભ્રમણા હતી. એ આ ઘડીએ પણ એ સમજતો હતો, છતાં એ કલ્પનાએ તેને પાંગળો બનાવી દીધો. તે જોરથી આગળ ધસતો જતો હતો. મનમાં ચંડીપાઠ કોણ જાણે કેવી રીતે યાદ કરી આવડે એવો બોલી જતો હતો. ગામ નજીક આવતું જતું હતું, પણ સ્મૃતિ એનો કેડો છોડતી નહોતી.
તે દિવસે સાંજે જ્યારે એ પોતા પાસે આવી ત્યારે ભલેને દંભ ખાતર પણ પોતાને વારવાનો નીલીએ કેટલો પ્રયત્ન કર્યો હતો?
‘તમને મંગળના સોગંદ, કશું કરો તો...’ તેણે કહ્યું હતું. છતાં પોતે તો બધું ઘોળીને પી ગયો હતો. ‘અને છતાં આજે પોતે સતો થઈ મને કુલટા કહેતો હતો, કેમ?’ નીલી ભયંકર રીતે હસી તેની સામે બોલી રહી હોય એવું એને લાગ્યું. ‘મિત્રદ્રોહી, હરામખોર!’
તેનો શ્વાસ જોરથી ચાલતો હતો, છતાં શાલને શરીર આસપાસ જોરથી વીંટતો જતો તે ચાલી જતો હતો. જરા દૂર તેની સામે કશુંક મોટું ઝાડ જેવું ઊભું થયું હોય તેવું તેને લાગ્યું. એવું કશું ત્યાં નહોતું તેની તેને ખાતરી હતી. એ વળી શું હશે? તેણે ઊંચે જોયું.
એ ઝાડ ઉપર બેઠી બેઠી નીલી – જુવાન, તંદુરસ્ત, મોહક નીલી – તેને આમંત્રતી હતી, તેના બાહુપાશમાં લપાવા. આંખ મીંચીને તે આગળ ચાલ્યો. થોડે ગયા પછી જ તેને ખ્યાલ આવ્યો કે એ તો માત્ર માણેકચોકનો થાંભલો હતો. ઝાડબાડ કશું નહોતું.
પછી તો ઘર સુધી તે દોડી ગયો. ઘરનું બારણું ખખડાવતો તે ઊભો હતો ત્યારે તેનાં અંગેઅંગ ધ્રૂજતાં હતાં. આટલી સખત ટાઢ છતાં તે તો પ્રસ્વેદથી ભર્યો હતો! તેને જોતાં જ પત્નીએ કહ્યું : ‘હાય! હાય! તમને તો ઠંડી ચડી ગઈ લાગે છે. આખું શરીર ધ્રૂજે છે.’
‘કશું નથી, સૂઈ જવા દે’. કહી તે પથારીમાં ધબ દઈને પડ્યો.
શશી ખરેખર ભય પામ્યો હતો. રાત્રિના પણ અર્ધજાગ્રત અર્ધનિદ્રિત અવસ્થા દરમિયાન નીલીના જ વિચારો અને સ્વપ્નોએ તેને આખો ને આખો ઘેરી લીધો. સવાર પડી. તે તો અર્ધનિદ્રામાં પડ્યો હતો. તેની પત્ની તેના કપાળે પાણીનાં પોતાં મૂકી રહી હતી, કેમ કે તેને તાવ ચડી આવ્યો હતો. રાતના પણ એક-બે વાર તે ઝબકી ગયો હતો તે તેણે જોયું હતું. શશીએ આંખ અર્ધી ઉઘાડી અને તરત જ મીંચી દીધી. તેણે પત્નીના હાથને બળપૂર્વક માથા આગળથી હઠાવી દીધો. ‘હજીય મારો કેડો છોડતી નથી? મારો જાન લેવો છે?’
પત્નીએ પોતું ભીનું કરી કપાળે મૂક્યું. માથા ઉપર મૃદુતાથી હાથ ફેરવતાં તેણે કહ્યું : ‘તમને થયું છે શું? કાલ રાતના આમ કરો છો તે?’
શશીએ આંખો બરોબર ઉઘાડી. એ જ ઘર, એ જ પ્રેમાળ પત્ની, સૂર્યનો મીઠો તાપ, બધું તેણે જોયું. તેની આંખોમાં અત્યાર સુધી ભરાઈ રહેલી નીલીની મૂર્તિ આપોઆપ દૂર હઠી ગઈ. તેણે ફરી આંખો ચોળી જોઈ. ત્યાં નીલી નહોતી. તેનું મોહક ઝેર પીરસતું સ્મિત નહોતું. ત્યાં તો માત્ર તેની પ્રેમાળ પત્ની, તેનું ઘર, સૂર્યનાં કિરણો હતાં.
જરા બેઠો થવા પ્રયત્ન કરતાં તેણે પૂછયું: ‘તને કશું ન દેખાયું?’
‘મને તે શું દેખાય? મને તો તમે જ દેખાઓ છો. તમે શું જુઓ છો?’ તેણે પૂછયું.
શશીએ એક નિ:શ્વાસ નાખી કહ્યું : ‘કશું નહીં.’
જે ખૂણામાં આખી રાત તેને નીલી વિધ વિધ સ્વરૂપે દેખાઈ હતી તે ખૂણામાં તેણે ભયભીત આંખે નજર કરી તો ત્યાં તો માત્ર કોઈ સુંદરીની છબી, હંમેશાં ટીંગાતી હતી તે, તે જ સ્વરૂપે ટીંગાઈ રહી હતી. ને આંખો મીંચી ફરી પાછો પથારીમાં સૂઈ ગયો. પત્નીનો મૃદુ સ્પર્શ તેના તપ્ત શરીર પર શાંતિ વરસાવી રહ્યો. (સમાપ્ત)