અમદાવાદઃ એએમસી કરોડો રૂપિયાના પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ કરી આવક ઊભી કરી રહ્યું છે. 4 ઓક્ટોબરે એએમસીએ ચાંદખેડામાં સૌથી મોંઘો રૂ. 520 કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રા.લિ.ને ફાળવવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપી છે. લુલુ ગ્રૂપ દ્વારા આ જગ્યાએ દેશનો સૌથી મોટો મોલ બનાવાશે. હાલ લુલુ ગ્રૂપે લખનઉમાં બનાવેલો મોલ સૌથી મોટો છે. ઉલ્લેખનીય છે કે, લુલુ ગ્રૂપના માલિક યુસુફ અલીના પિતા એક સમયે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા.
યુસુફ અલીના પિતા અમદાવાદમાં કરિયાણું વેચતા
મૂળ કેરલના થ્રિસુરના કરનચિરા ગામના લુલુ ગ્રૂપના માલિક યુસુફ અલીના પિતા અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. શરૂઆતમાં યુસુફ વકીલ બનવા માગતા હતા, પરંતુ તેના પરિવારના ઘણા સભ્યો બિઝનેસ ફિલ્ડમાં હોવાથી તેમણે પણ આ ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું. 15-16 વર્ષની ઉંમરે તેઓ તેમના પિતાને બિઝનેસમાં મદદ કરવા ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા કર્યું હતું.
લુલુ શબ્દનો અર્થ થાય છે મોતી
લુલુ એક અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે મોતી. યુસુફે પોતાનો બિઝનેસ આરબ દેશોમાં વિસ્તારવા અને તેને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી પોતાની કંપનીનું નામ લુલુ રાખ્યું હોવાનું માનવામાં આવે છે.
લુલુ ગ્રૂપની 64 હજાર કરોડની કમાણી
22 વર્ષ પહેલાં શરૂ થયેલું લુલુ ગ્રૂપ 64 હજાર કરોડની કમાણી કરી રહ્યું છે. વર્ષ 1990માં યુસુફ અલીએ અબુ ધાબી અને દુબઈમાં લુલુ ગ્રૂપના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને સુપરમાર્કેટ શરૂ કર્યા હતા. સૌપ્રથમ દુબઈમાં પ્રથમ લુલુ હાઇપરમાર્કેટ અને બાદ ખાડી દેશોમાં ઘણા વધુ સુપરમાર્કેટ અને હાઇપર માર્કેટ ખોલવામાં આવ્યા. જે બાદ લુલુ ગ્રૂપ ઇન્ટરનેશનલની સ્થાપના યુસુફ અલીએ વર્ષ 2000માં કરી હતી.