રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના સાથીઓએ રૂ. 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસ નેતાઓએ 2022માં આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સામે વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. હવે આક્ષેપ કરનારા આ ત્રણેય નેતાએ આ આક્ષેપ બદલ માફી માગી લીધી છે અને કહ્યું છે કે, આ મામલે રૂપાણી નિર્દોષ છે. આક્ષેપ કરનારા નેતાઓમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય સી.જે. ચાવડા ઉપરાંત કોંગ્રેસના વિધાનસભામાં ઉપનેતા શૈલેશ પરમાર અને ભૂતપૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાનો સમાવેશ થાય છે. ત્રણેય નેતાઓએ માફી માગી લેતાં રૂપાણીએ પણ બદનક્ષીનો દાવો પાછો ખેંચ્યો છે.
ગાંધીનગર કોર્ટમાં આ કેસની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ નેતાઓનો માફીપત્ર રેકોર્ડ પર આવતાં જ રૂપાણીના વકીલને પૂછવામાં પણ આવ્યું હતું કે, હવે રૂપાણી બદનક્ષીનો કેસ ચલાવવા માગે છે કે કેમ ? ત્યારબાદ રૂપાણીના વકીલે આ દાવો પાછો ખેંચવા માટે કોર્ટમાં અરજી કરી હતી.