વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોમાં અનેકવિધ શક્તિઓ છુપાયેલી છે. જ્યાં જ્યાં પાટીદારો ગયા છે, ત્યાં તેમણે માત્ર ભારતને જ નહીં જે દેશમાં રહ્યા છે તેને પણ ખૂબ પ્રેમ કર્યો છે અને કંઈક આપવાનો કાયમ પ્રયાસ કર્યો છે. આવા જ તમામ પાટીદારોને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ વિશ્વ ઊમિયાધામ ફાઉન્ડેશન દ્વારા કરાયો છે. નરી આંખે આ મોટું સ્વપ્ન જોયું છે આર.પી. પટેલે, જેમણે અશક્ય તેવું કામ શક્ય કરી બતાવ્યું છે. તેમણે પોતાનું પૂર્ણ યોગદાન આપી વિશ્વભરના પાટીદારોની શક્તિઓને ઉજાગર કરી મા ઉમિયાનું વિશ્વનું મોટામાં મોટું મંદિર બનાવવાનો ભગિરથ પ્રયાસ કર્યો છે. આ માત્ર મંદિર કે ધાર્મિક સંસ્થા જ નથી, એક સામાજિક સંસ્થા પણ છે જે પાટીદારોની શક્તિઓ દ્વારા તમામ સમાજની આવનારી પેઢીનો રસ્તો ઘડી કાઢવા માટે પૂર્ણ પ્રયાસ કરનારી સંસ્થા છે.
આર.પી. પટેલે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અંગે જણાવ્યું કે, જે સ્થળે પ્રાર્થના આવે છે અને પ્રાર્થનાથી આત્મા આધ્યાત્મ તરફ પ્રયાણ કરે છે, અને તે આધ્યાત્મમાંથી જે કોઈ વિચારોનો ઉદભવ થાય છે. આવા જ વિચારો સાથે વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનનો જન્મ થયો છે. વિશ્વ ઊમિયા ફાઉન્ડેશન નામ દ્વારા જ તેના કામ અને લક્ષ્યનો પરિચય થાય છે, જે વિશ્વસ્તરે કાર્ય કરતી એક ધાર્મિક અને સામાજિક સંસ્થા છે. એક ઉમદા વિચારને લઈ આધ્યાત્મિકતાને સાથે રાખી રાષ્ટ્રચેતનાનું અભિયાનની પ્રવૃત્તિને વેગ આપવાની નેમ સાથે આ સંસ્થા કામ કરે છે.
આ જ નેમ અને અભિયાનને લઈ અમદાવાદમાં આસ્થા, એકતા અને ઊર્જાનું ધામ વિશ્વઊમિયા ધામ આકાર પામી રહ્યું છે, જે સમગ્ર વિશ્વના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. 8 જુલાઈ 2017માં જ્યારે મને આ વિચાર આવ્યો અને પ્રથમ મિટિંગ કરી ત્યારે રૂ. 150 કરોડના દાનની જાહેરાત થઈ. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે તેનું ભૂમિપૂજન કર્યું, ત્યારે તેમના આ વિશ્વાસને ચરિતાર્થ કરવા ડિસેમ્બર-2027 સુધીમાં જગતજનની મા ઉમિયાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ અમે લીધો હતો.
મંદિરની સાથે સાથે હોસ્પિટલ, યુનિવર્સિટીનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવી તો અનેકવિધ પ્રવૃત્તિઓ સંસ્થાના પ્લેટફોર્મ પર થઈ રહી છે. પાટીદારોના વૈશ્વિક સંગઠનનો હેતુ કુદરતે જેમને વધારે આપ્યું છે તેમનો સહયોગ લઇને કુદરતે જેમને ઓછું આપ્યું છે તેમને પહોંચાડવાનો છે. જે અંતર્ગત કોઈ પણ માલેતુજાર પાસેથી દાન લઈને દાનને યોગ્ય વિદ્યાર્થી કે અન્ય કોઈને પણ મદદ કરવાનો છે, જેથી સમાજનો દરેક વર્ગ મા ઉમિયાના ધ્વજ નીચે યોગ્ય શિક્ષા, સારવાર અને અન્ય જરૂરી વસ્તુઓનો હકદાર બને.
આપણે સંસ્થાના માધ્યમથી જે કાર્ય કરીએ છીએ તેમાં યુવાનો અને મહિલાઓના સશક્તિકરણની મહત્ત્વની ભૂમિકા છે. આ બંને વર્ગને શિક્ષણની પૂરતી જરૂર છે, જે બાદ કરિયર બનાવવા માટે આઇએએસ એકેડેમી, બિઝનેસ પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવ્યું છે. VIBES (વાઇબ્સ) એટલે વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક. આ ‘વાઇબ્સ’ના માધ્યમથી આપણે મહિલાઓ અને યુવાનોને પ્લેટફોર્મ આપીએ છીએ. દરેક વ્યક્તિમાં સેવા અને સમર્પણનો ભાવ પેદા થાય તો જ આ કાર્ય થઈ શકે. આ માટે 31 જેટલી વિવિધ કમિટી દ્વારા અનેક વ્યક્તિઓ પોતાની શક્તિ આ જ્ઞાનયક્ષ અને સેવાયજ્ઞમાં આપી રહ્યા છે.
ખેડૂતો માટે કૃષિ અને મહેસૂલ અનુસંધાને એક વેલ્યૂ એડિશન માર્કેટ સિસ્ટમ ક્રિએટ કરવાની વિચારધારા પણ સંસ્થા ધરાવે છે, જે અનુસંધાને કામ શરૂ કરી દેવાયું છે. આ સાથે સમાજના ડિપ્રેશનમાં સરી પડેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને આ સ્થિતિમાંથી બહાર લાવવા કાઉન્સેલિંગ સેવાના કામની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એક કમિટી બનાવી છે.
આ યજ્ઞમાં અમેરિકામાં વસતા વાઇસ પ્રેસિડેન્ટ વી.પી. પટેલ ઉપરાંત ડેની પટેલ અને જે.પી. પટેલે અમેરિકાના 30 સ્ટેટમાં ફરીને જે કામ કર્યું છે તે કાબિલેદાદ છે. કેનેડાથી રજનીભાઈ પટેલ, યુકેથી દીપકભાઈ પટેલ, આફ્રિકાથી દક્ષેશભાઈ આ યજ્ઞમાં જોડાયેલા છે. આ સાથે અહીં અમારા ખજાનચી કાંતિભાઈ રામ અને પ્રહલાદકાકા - બન્ને રૂ. 1600 કરોડના દાતા છે - છતાં રોજ સાંજે 4 વાગ્યે મા ઉમિયાની નોકરી કરવા પહોંચી જાય છે.
વિશ્વ ઉમિયાધામની મહિલા શાખાના ચેરપર્સન ડો. રૂપલ પટેલે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અંગે જણાવ્યું કે, પ્રાચીન સમયમાં મંદિરો ધર્મની સાથે સમગ્ર સમાજને આગળ લાવવા ઉપરાંત સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવાનું કામ કરતાં હતાં. આ જ સનાતન ધર્મની રક્ષાનું કામ આજે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા કરાઈ રહ્યું છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા ઉમા લગ્ન સંસ્કાર યોજના અંતર્ગત મધ્યમ વર્ગના યુવાનોનાં ઓછા ખર્ચમાં લગ્ન કરાવવામાં આવે છે, છેલ્લાં 4 વર્ષમાં આ યોજના હેઠળ 350 જેટલાં યુગલ લગ્નગ્રંથિથી જોડાયાં છે. આજના જમાનામાં આપણા દીકરા-દીકરીઓને કોમ્પિટીટિવ એક્ઝામમાં તૈયાર કરવા વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ ચલાવાય છે, જેમાં અત્યારથી યુવાનોને ટ્રેનિંગ અપાય છે. વિશ્વ ઉમિયાધામ થકી અનેક દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા, યુએસ કે યુકે જતાં હોય છે. આ સમયે તેમનો હાથ પકડનારું કોઇ નથી હોતું. તેમને મુશ્કેલીથી બહાર કાઢવા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણે નાના-મોટા બિઝનેસ કરનારા યુવાનોનું વૈશ્વિક જોડાણ ઊભું કરવા એક ગ્લોબલ બિઝનેસ નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યા છીએ. આ યોજના અંતર્ગત વિવિધ સ્થળે 7 જેટલા ચેપ્ટર ઊભાં કરી લેવાયાં છે. સામાજિક અને ધંધાકીય સ્તરે ઘર્ષણના સમાધાન માટે કોર્ટના ખર્ચ અને સમયના બચાવ માટે વિશ્વ ઉમિયાધામમાં ઉમિયા અદાલતનું આયોજન કરાયું છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા સુંદર મેટ્રિમોનિયલ સર્વિસીસ પણ ચલાવાય છે, જેમાં યુવા દીકરા-દીકરીઓને તેમને જોઈતાં પાત્રની પ્રાપ્તિ થઈ શકે છે.
આ ઉપરાંત ઉમા શિક્ષણ સહાય દ્વારા હોંશિયાર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી નિવારવા નાણાકીય સહાયનું સમાધાન અપાય છે. આવા વિદ્યાર્થીઓની અનેક અરજીઓ આવે છે, જેમનાં વાલી સાથે ઇન્ટરવ્યૂ લઈ વેરિફિકેશન કરાય છે. આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપણી સાથે ટાઇઅપ ધરાવતી કોલેજ-યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે નિઃશુલ્ક પ્રવેશ અપાવીએ છીએ. આ વર્ષે અંદાજિત 100 વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે.
હાલ રાજ્ય સરકાર દ્વારા 12 હજાર કોન્સ્ટેબલની ભરતી આવી છે. આથી વિશ્વ ઉમિયાધામે સમગ્ર ગુજરાતમાં અભિયાન ચલાવ્યું, જે અંતર્ગત ઉમેદવારોને ફોર્મ ભરાવી ટ્રેનિંગ આપી પોસ્ટ પર પહોંચવા માટે લાયક બનાવવા પ્રયત્નશીલ છીએ. આમાં અસંખ્ય દીકરા-દીકરીએ ફોર્મ ભર્યાં છે અને આ અભિયાનને સારો પ્રતિસાદ આપ્યો છે.
મુસ્લિમ ભાઇબહેનો શુક્રવારે નિયમિત નમાજ પઢે છે અને ક્રિશ્ચન ભાઈબહેનો દર રવિવારે દેવળ જવાનું ચૂકતા નથી. પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા વધારવા અને સનાતન ધર્મના પ્રયાસરૂપે વિશ્વ ઉમિયાધામે દર શનિવારે રાત્રે પ્રત્યેક સોસાયટીમાં માતાજીની સામૂહિક આરતી કરવાનું શરૂ કર્યું છે. આમ સમગ્ર ગુજરાતના તમામ તાલુકા અને શહેરોમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા દર શનિવારે રાત્રે આરતી થાય છે. આમ સનાતન ધર્મને ચાલવવાની મોટી ઝુંબેશ ચલાવાઈ રહી છે.
હેલ્ધી માઇન્ડ – હેલ્ધી બોડીની નેમ અંતર્ગત વિશ્વ ઉમિયાધામ દ્વારા ઉમા સ્વાદમ્ નામની પ્રોડક્ટ મૂકી છે, જેથી સહુ કોઇને શુદ્ધ ફરસાણ અને મીઠાઈ મળી રહે. રમત-ગમતને પ્રોત્સાહન આપવાના હેતુથી વિશ્વ ઉમિયાધામ દ્વારા રાજ્યમાં 320 ક્રિકેટ ટીમને મેચ રમાડવામાં આવશે. આ તમામ મેચ જોવા માટે આવેલી વિશાળ જનમેદનીને વિશ્વ ઉમિયાધામ દ્વારા સનાતન ધર્મનો સંદેશ આપવાની ઝુંબેશ ચલાવવામાં આવશે.
વિશ્વ ઉમિયાધામના યુકે કન્વીનર શ્રી દીપકભાઈ પટેલે જણાવ્યું કે, યુકેમાં પણ વિશ્વ ઉમિયાધામનું ભગીરથ કાર્ય આગળ વધારવાના આશયથી અમે ઓગસ્ટ 2023થી કામની શરૂઆત કરી. પ્રથમ ઇવેન્ટ ઓગસ્ટમાં ઉમિયાધામના 450 પરિવારોનો મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત, રાજસ્થાન ને મધ્ય પ્રદેશના વિદ્યાર્થીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો. પ્રથમ ઇવેન્ટમાં આમનો સંપર્ક થતાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનનું કાર્ય આગળ વધારવા નેમ સાથે લોકોને મદદરૂપ થવાનો સંકલ્પ લીધો હતો.
વિશ્વ ઉમિયાધામ અંતર્ગત અમે ભારતથી આવતા વિદ્યાર્થીઓને રહેવા-જમવા અને જોબ અપાવમાં મદદરૂપ થવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ ઉપરાંત હાલમાં જ અમે વિશ્વ ઉમિયાધામના 7થી 8 સભ્યોની વર્ક પરમિટ અને સ્પોન્સર લાઇસન્સ પણ કરાવી આપ્યાં. અમે આમ જ આગળ વધવા માગીએ છીએ, બસ આપ સૌનો સહકાર મળી રહે તેવી આશા છે.