હું તદ્દન સ્વસ્થઃ રતન તાતા

Wednesday 09th October 2024 05:24 EDT
 
 

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ તેમને આઇસીયુમાં એડમિટ કરાયા હોવાના અહેવાલને ફગાવી ખોટા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હું તદ્દન સ્વસ્થ છું. રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયો હતો. મારા આરોગ્ય અંગે ખોટી અફવા ફેલાવાઈ રહી છે.

• સંજય રોયે જ ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર કર્યોઃ આર.જી. કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડોક્ટરની સાથે દુષ્કર્મ-હત્યાના કેસમાં સંજય રોયને મુખ્ય આરોપી બનાવાયો છે. સીબીઆઇનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આ કેસમાં લગભગ 200 લોકોનાં નિવેદનની સાથે સીબીઆઇએ ચાર્જશીટ ફાઇલ કરી છે.

• ઉત્તરાખંડમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયારઃ ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટને હાલ રાજ્ય સરકારને સોંપી દેવાશે. કમિટીએ જે ભલામણો કરી છે તેમાં લીવઇન રિલેશનશિપ, લગ્નની ઓનલાઇન નોંધણી મોબાઇલ એપ કે વેબસાઇટથી ઓનલાઇન થઈ શકશે. આ બંનેની વ્યવસ્થા અલગ-અલગ કરાશે.

• ભારતીયોને યુદ્ધમાં ધકેલાઈ રહ્યાનો આરોપઃ હમાસ અને ઇરાન સામેના યુદ્ધના કારણે ઇઝરાયલમાં કામદારોની તંગી સર્જાતાં ભારતથી હજારો કામદારોને ઇઝરાયલ મોકલાઈ રહ્યા છે. જો કે તેમની સુરક્ષા, વીમા અંગે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી.

• ભોપાલની ફેક્ટરીમાંથી રૂ. 1814 કરોડનું એમડી ડ્રગ્સ જપ્તઃ ગુજરાત એટીએસ-એનસીબીએ ‘ઓપરેશન ડ્રગ્સ’ હેઠળ મધ્યપ્રદેશના ભોપાલમાં બગરોડા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શનિવારે રેડ કરી રૂ. 1814 કરોડના 907 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

• મહારાષ્ટ્રનું અહમદનગર બન્યું અહિલ્યાનગરઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ હવે સત્તાવાર રીતે બદલાઈ ગયું છે. આ જિલ્લાનું નામ અહિલ્યાનગર થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર કરવાની મંજૂરી આપી દીધી છે.

• જમ્મુ-કાશ્મીરમાં 2 આતંકી ઠારઃ સુરક્ષાદળોએ કુપવાડામાં નિયંત્રણ રેખાની પાસે ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી અમેરિકન બનાવટનાં હથિયાર જપ્ત કરાયાં છે.

• લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ પરિવારને રાહતઃ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવ પરિવારને રાઉસ એવેન્યુ કોર્ટ દ્વારા રાહત અપાઈ. કોર્ટે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી, તેજપ્રતાપને રૂ. 1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે.

• ‘હવે હું ગાંધીવાદી’: યાસીન મલિકઃ ટેરર ફન્ડિંગ મામલામાં સજા કાપતા જેકેએલએફ-વાયના અધ્યક્ષ યાસીન મલિકે પોતાને ગાંધીવાદી ગણાવતાં કહ્યું છે કે, ‘હવે હું ગાંધીવાદી છે, મેં 1994માં જ હથિયાર અને હિંસાનો ત્યાગ કર્યો છે.’

• દિલ્હીમાંથી રૂ. 5 હજાર કરોડનું કોકેઇન જપ્તઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોર ગેંગને ઝડપી કોકેઇનનો રૂ. 5 કરોડનો 560 કિલોગ્રામ કરતાં પણ વધારે કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે

• કેરળનાં ગામ પર વકફ બોર્ડનો દાવોઃ કેરળના 100 વર્ષ જૂના ચેરાઈ ગામના 610 પરિવારો હાલમાં પલાયનના ડર હેઠળ જીવી રહ્યા છે. આ ગામનીી જમીન અને સંપત્તિ પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. મોદી સરકાર વક્ફ બોર્ડના કાયદામાં સુધારો લાવી રહી છે, જેમાં તેમના દ્વારા સૂચન કરાયું છે.

• 400 ચીની ઇજનેરે પાકિસ્તાન છોડ્યુંઃ કરાચીમાં ફિદાયીન હુમલામાં બે ઇજનેરોનાં મોત બાદ 400 ચીની ઇજનેરો ચીન રવાના થઈ ગયા છે. બલુચિસ્તાનથી લગભગ 250 ચીની ઇજનેર ગિલગિટ-બાલ્ટિસ્તાનથી 150 ઇજનેરો ક્રમશ: કરાચી અને ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચીન રવાના થયા

• રશિયાની એર ડિફેન્સ સિસ્ટમની ઢાલ નષ્ટઃ યુક્રેને અમેરિકાની એટકેમ્સ બેલેસ્ટિક મિસાઇલથી રશિયાની એર ડિફેન્સ સિસ્ટમની ઢાલ નેબો-એમ રડાર સ્ટેશનને નષ્ટ કર્યું છે. આમ રશિયાની રડાર ક્ષમતા ઘણી ઘટી ગઈ છે અને યુક્રેન માટે સારો એર કોરિડોર બની ગયો છે.

• ન્યૂયોર્કના આકાશમાં બેનરઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ થાયઃ અમેરિકાના ન્યૂયોર્કમાં શુક્રવારે સવારે વિમાન દ્વારા બેનર ફરકાવાયું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા બંધ થવી જોઈએ.

• ઇમરાન સામે ફરી કેસઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ધરપકડ વિરુદ્ધ તેમના સમર્થકો દ્વારા દેખાવો યોજાયા. દરમિયાન શાહબાઝ સરકારે ખાન વિરુદ્ધ વધુ એક કેસ નોંધ્યો છે, જેમાં તેમના પર આતંકવાદનો આરોપ લગાવાયો છે.


comments powered by Disqus