7 ઓક્ટોબર 2024. ઇઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલાને એક વર્ષ પુરું થયું પરંતુ તેની સાથે શરૂ થયેલું ઇઝરાયેલી આક્રમણ ગાઝ બાદ હવે લેબેનોન સુધી વિસ્તરી ચૂક્યું છે. મીડલ ઇસ્ટથી સુદૂર ઉત્તરમાં છેલ્લા બે વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે પણ ભીષણ જંગ ચાલી રહ્યો છે. આ તો થઇ બે મોટા સંઘર્ષની વાત. આવા તો ઘણા નાના નાના સંઘર્ષ આફ્રિકા સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહ્યાં છે. બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ અને શિસ્ત માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરાઇ પરંતુ વિશ્વ સંસ્થા જાણે કે નમાલી પૂરવાર થઇ રહી છે.
તાજેતરમાં ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની તુલના એક જરીપુરાણી કંપની સાથે કરી છે. એક એવી કંપની જે બજાર સાથે તાલમેલ મિલાવી શક્તી નથી તેમ છતાં તેને વિશ્વના માથે મારી દેવામાં આવી રહી છે. વિશ્વમાં વધી રહેલા ટકરાવો મધ્યે સંયુક્ત રાષ્ટ્રની ભુમિકા અને પ્રભાવ પર ગંભીર સવાલો સર્જાઇ રહ્યાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવામાં સંયુક્ત રાષ્ટ્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. બીજીતરફ હમાસના ઇઝરાયેલ પરના આતંકી હુમલા અને ત્યારબાદ છેલ્લા એક વર્ષથી ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલ દ્વારા વેરાયેલા વિનાશ સામે પણ વિશ્વ સંસ્થા આંખો મીંચીને બેઠી છે. ઇઝરાયેલે હવે તો લેબેનોન પર પણ આક્રમણ કરી દીધું છે અને ઇરાન સાથે ગમે ત્યારે પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે સંયુક્ત રાષ્ટ્રને કોઇ દેશ ગંભીરતાથી લેતો નથી. વિશ્વ સંસ્થાની નીતિઓ, વિચારધારા, પ્રતિનિધિત્વમાં સમાનતા, વહીવટ, પોતાના નિર્ણયોનું પાલન કરાવવાની ક્ષમતા જેવા મામલાઓમાં આકરી ટીકા કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ગમે તેટલા ઠરાવ કરવામાં આવે પરંતુ તે વિશ્વમાં કોઇપણ ખૂણે ચાલી રહેલા યુદ્ધને અટકાવી શક્તું નથી. પોતાના જ ઠરાવોના અમલમાં નિષ્ફળ સંયુક્ત રાષ્ટ્ર સશસ્ત્ર સંઘર્ષોને અટકાવવામાં સંપુર્ણપણે નિષ્ફળ રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં સર્વોપરિ સુરક્ષા પરિષદ મનાય છે અને તેના પર પાંચ કાયમી સભ્યોએ જાણે કે પોતાની હકુમત સ્થાપી દીધી છે. પરમાણુ શક્તિ એવા અમેરિકા, ચીન, ફ્રાન્સ, રશિયા અને યુકેએ જાણે કે સુરક્ષા પરિષદને ન્યુક્લિયર ક્લબ બનાવી દીધી છે. આ ક્લબ પાસે અમર્યાદિત સત્તાઓ આવી ગઇ છે. આ દેશો પાસે વીટોના અધિકાર છે જેનો ઉપયોગ તેઓ પોતાના વૈશ્વિક હિતો જાળવવા કરે છે. આમ જુઓ તો સુરક્ષા પરિષદમાં સાચું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ છે જ નહીં. ભારત જેવા વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા લોકશાહી દેશને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટેની માગ દાયકાઓ જૂની છે પરંતુ તે દિશામાં કોઇ પહેલ કરવામાં આવતી નથી. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિતના કાયમી દેશો ભારતને કાયમી સભ્યપદની નિવેદનબાજીનો દેખાડો તો કરે છે પરંતુ હકીકતમાં તેઓ ખરેખર ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે જોવા માગે છે કે કેમ તે તેમના ઇરાદા પરનો ગંભીર સવાલ છે. સુરક્ષા પરિષદ ફક્ત કાયમી સભ્યોના વ્યૂહાત્મક અને રાજકીય હિતો માટે જ કામ કરી રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. સુરક્ષા પરિષદમાં કોઇપણ દેશને બે વર્ષ માટે હંગામી સ્થાન આપીને સંતોષ માની લેવાય છે. નિષ્ણાતો સુરક્ષા પરિષદમાં બિનપરમાણુ દેશોને કાયમી સભ્ય તરીકે સ્થાન આપવાની માગ કરી રહ્યાં છે જેથી સુરક્ષા પરિષદ સાચા અર્થમાં લોકતાંત્રિક બની શકે. બાકી અત્યારે તો પાંચ દેશોનો વીટો પાવર જ આ પરિષદનું સંચાલન કરે છે.
વૈશ્વિક શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ધરમૂળથી બદલાવ કરી, મહાસત્તાઓની જોહુકમી દૂર કરી વધુ અસરકારક બનાવવાનો સમય પાકી ગયો છે.