અમદાવાદઃ સેપ્ટ યુનિવર્સિટીના સહસ્થાપક અમેરિકાના વતની અને હાલમાં ભારતમાં સ્થાયી થયેલા પ્રોફેસર ક્રિસ્ટોફર બેનિન્જરનું 81 વર્ષની વયે નિધન થયું. સેપ્ટ યુનિવર્સિટીના સહસ્થાપક, છ વાર જે.કે. આર્કિટેક્ટ ઓફ ધ યરનો એવોર્ડ મેળવનારા પ્રોફેસર બેનિન્જરનું સેપ્ટ યુનિવર્સિટી અને ભારત સાથેનું જોડાણ 40 વર્ષ કરતાં વધુ સમયથી છે. સૌપ્રથમ સેપ્ટમાં સ્કૂલ ઓફ પ્લાનિંગની સ્થાપનાના હેતુસર સેપ્ટ ફાઉન્ડેશનના એડવાઇઝર તરીકે મુલાકાત લીધી હતી. તેમણે એમઆઈટી ખાતે પ્લાનિંગનો અને હાર્વર્ડ ખાતે આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1972માં હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડિઝાઇન ખાતે અધ્યાપક તરીકે રાજીનામું આપ્યા બાદ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર બી.વી. દોશી સાથે રહીને સ્કૂલ ઓફ પ્લાનિંગની સ્થાપના કરી હતી.