“એકલતાનો શ્રેષ્ઠ વિકલ્પ: સત્કાર્યને સમર્પિત થવું...”- નલિનભાઇ ઉદાણી

ઘર દીવડાં

- જ્યોત્સના શાહ Tuesday 08th October 2024 08:10 EDT
 
 

એક એવા નવજુવાનને મળીએ કે જેની ઉમર માત્ર ૮૫ વર્ષ છે. એ તો માત્ર આંકડો છે. એકવડો બાંધો. ટટ્ટાર ચાલ. સારા વક્તા અને સારા શ્રોતા. વાણીમાં વિવેક અને સ્વભાવમાં નમ્રતા. ભજન હોય કે કવિ સંમેલન, રાજકારણ હો કે રમત-ગમત, નવી ટેકનોલોજીનું જ્ઞાન કે જનરલ નોલેજની વાત, હરવા-ફરવાની વાત હો કે જમણની…એમની ડીક્શનરીમાં ‘ના’ શબ્દ જ નહિ! પોઝીટીવ એટીટ્યુડ. નેતા તરીકે સૌની સાથે હળી-મળી કામ કરવાની આર્ટ …એ નલિનભાઇ ઉદાણીની પૂંજી. એમના સંતાનો પણ કહે કે, ‘પપ્પા, તમે કામ કરતા હતા એના કરતા અત્યારે વધુ બીઝી રહો છો. તમને મળવા અમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે!’ પ્રવૃત્તિ એ જ પ્રકૃતિ.
‘આજ ફિર જીનેકી તમન્ના હૈ..’ જીવનમંત્ર અપનાવતું વડિલ મંડળ...
નલિનભાઇ ઉદાણી. નવનાત વડિલ મંડળના તત્કાલીન પૂર્વ પ્રમુખ.
૨૦૦૯ થી ૨૦૧૪ અને ૨૦૧૮ થી ૨૦૨૪ એમ બે વખત ૫-૫ વર્ષ પ્રમુખ તરીકેની સેવા સાદર કરી દરમિયાનમાં કેટલાય સુધારા કર્યા. નવનાત વડિલ મંડળનો લોગો (સેવા પરમો ધર્મ) બનાવ્યો. પ્લાસ્ટિકના ક્રેડિટ કાર્ડ જેવા મેમ્બરશીપ કાર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યા. ૨૦૦૯ થી વડીલોને નવનાત ભવન સુધી લાવવા-લઇ જવા કિફાયત ભાવે કોચ સેવા શરૂ કરી. ૨૦૧૩થી ચિરવિદાય લીધેલ સ્વજનોની યાદમાં ‘સ્મરણાંજલિ’ ના પ્રોગ્રામની શરૂઆત કરી. ૮૫ વય વટાવી ચૂકેલ વડીલોના સન્માનનો કાર્યક્રમ શરૂ કર્યો. ૯૦ વર્ષે પહોંચે તો સભ્ય ફી ભરવાની નહિ! પ્રતિ સપ્તાહે સભ્યોને વીકલી રીપોર્ટ મોકલવાનો. દરેક મેમ્બરની બર્થડે આવે ત્યારે પોસ્ટમાં કાર્ડ મોકલવાનું….નવી ટેકનોલોજીના અમલમાં યુવાનોને ય પાછળ મૂકી દે! નવનાત વડિલ મંડળની સ્મૃતિમાં ખાસ મગ્સ (ખાવાના નહિ, ચા પીવાના) બનાવી સભ્યોમાં એનું વિતરણ કર્યું.
 દર વીકે ગરમાગરમ-સ્વાદિષ્ટ રસોઇ બનાવી સપ્રેમ-સહર્ષ જમાડતી કિચન કમિટીની બહેનોના કાર્યની કદર રૂપે દર વર્ષે એમનું સન્માન કરવાનું. ‘વેલેન્ટાઇન ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, રક્ષાબંધન, શ્રાધ્ધ, નવરાત્રી, દિવાળી, ગ્રાન્ડ વેરાયટી શો..(જેમાં સભ્યો જ ભાગ લે છે) વગેરે બધા જ તહેવારોની ઉજવણી કરવા સાથે હેલ્થને લગતા સેમિનાર્સ, અલગ-અલગ વિષયો પર વક્તવ્યો, સંગીતની મહેફિલો, નાના-મોટા મનોરંજનના કાર્યક્રમો યોજવાના અને યોગા કરવા સાથે પસંદગીની રમતો રમવાની. જીવન સદા બહાર રહે તેવા તમામ પ્રયાસો કરવાના. એટલે તો વડિલો શુક્રવારની રાહ ચાતક પક્ષીની જેમ જુએ છે.
કોવિદ-૧૯માં જ્યારે બધી જ પ્રવૃત્તિઓ પર પૂર્ણ વિરામ મુકાયું ત્યારે, હતાશ થયા વિના એમાંથી માર્ગ કાઢ્યો. નવી ટેકનોલોજીના સહારે નલીનભાઇની આગેવાની હેઠળ ઝૂમ ઇવેન્ટના શ્રી ગણેશ મંડાયા. યોગાથી લઇ મનોરંજન અને કુકરી શો સહિત ૧૫૦ જેટલા પ્રોગ્રામો કરી એકલતાનો રકાસ કર્યો!
જેમાં નવનાતના સૂત્રધારો, વડિલ મંડળની કમિટી, ઝૂમ ટીમ, કિચન કમિટી સહુનો સહકાર મળ્યો. “લાઇવ કુકરી શો’’માંથી ‘નવરસ કુકરી’ બુકનો જન્મ થયો. એની પ્રથમ આવૃત્તિ બહાર પડતા જ એક સપ્તાહમાં ૪૦૦ કોપી ચપોચપ વેચાઇ ગઇ. બીજી આવૃત્તિની ૫૦૦ કોપીઓ છપાવી, જે પણ અડધો અડધ વેચાઇ ગઇ.
જીવન પ્રવાહના વાંકા-ચૂંકા વહેણમાં તરવાની આવડત કેળવી લે તે જીતે
એડનમાં પિતાશ્રી ગોકલદાસ સામજી ઉદાણીના કૂળમાં અને માતુશ્રી જેકુંવરબહેનની કૂખે ૧૯૩૯માં નલિનભાઇનો જન્મ. કુટુંબમાં ત્રણ ભાઇઓ અને એક બહેન. નલિનભાઇનો સ્વભાવ બાળપણથી જ ધીર-ગંભીર હોવા સાથે કુશાગ્રબુદ્ધિ.
 એડનની ગુજરાતી શાળા અને કોલેજમાં ભણતર પૂરું કરી ફેમિલી બીઝનેસમાં જોડાયા. યુવાનીમાં ટેબલ ટેનિસ રમવાનો શોખ. એમાં વિજયી બનતા એક વખત એડનના ગવર્નરના હસ્તે ટ્રોફી પણ મળી હતી. એમની ટીમમાં અન્ય રમતવીરોમાં હરેનભાઇ મેશ્વાણી અને એમના વચેટ બંધુ ચંદુભાઇ હતા.
૨૫ વર્ષની વયે ૧૯૬૪માં યુ.કે. અને યુરોપની બીઝનેસ ટ્રીપમાં ગયા. જેમાં લંડનના આઇડીઅલ હોમ એક્ઝીબીશન, પેરિસ, ફ્રેન્કફર્ટ, મિલાન, રોટરડામ વગેરેના ટ્રેડ ફેરમાં જઇ નવા બિઝનેસ સંપર્કો કેળવ્યા. એડનમાં એમની પાસે ELNA -જીનિવાની કંપનીનું શીવવાનું મશીન અને Passap નીટીંગ મશીનની અને સ્મિથ કોરોના ટાઇપ રાઇટરની એજન્સી હતી. એ મશીનનું રીપેરીંગ કામ તેમજ ડેમોસ્ટ્રેશન ત્યાં જઇ શીખ્યા જેથી એના વેચાણમાં ઉપયોગી નીવડે. વિશ્વના અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો અને ૧૬ જેટલી ક્રુઝ ટૂરો પણ કરી. દુનિયા જોઇ છે અને દુનિયાદારી શીખ્યા છે.
૧૯૬૬માં એડનથી ભારત જવાનું થયું. ત્યાં રાજકોટમાં દીનાબહેન નામની યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. નલિનભાઇની ભાષામાં, ‘ફરતા રામ ખિલ્લે બંધાણા”.લગ્ન બાદ સજોડે એડન આવ્યા. એડનમાં બ્રિટીશ શાસન હતું. ત્યાંની રાજકીય સ્થિતિ ડામાડોળ થતા દેશ છોડવાનો વારો આવ્યો. દરમ્યાન એમનાં પત્ની ગર્ભવતી હોવાથી ડીલીવરી માટે રાજકોટ મોકલી આપ્યા. ત્યાં પુત્રનો જન્મ થયો પરંતુ કમનસીબે એનું ન્યુમોનીયાને કારણે બાળ મૃત્યુ થયું. ઉદાણી દંપતિ માટે આ અસહ્ય આઘાતજનક બીના હતી.
નલિનભાઇ ૧૯૬૮માં એડન છોડી રાજકોટ ગયા અને ફેમીલી બીઝનેસ શરૂ કર્યો. સાત વરસ ચલાવ્યો પણ ફાવટ આવી નહિ. એ સમયગાળામાં ૧૯૭૧માં દીકરો તેજસ અને ૧૯૭૪માં દીકરી અનુશ્રીનો જન્મ થયો.
ફેબ્રુઆરી ૧૯૭૬માં એકલા લંડન આવ્યા અને શરુમાં ગ્રનીક ફોટો લેબોરેટરીમાં થોડો સમય કામ કર્યું. ત્યારબાદ બ્રિટીશ રેલ્વેમાં ટિકિટ ક્લાર્ક તરીકે જોબ મળી. અને ઓગષ્ટ ૭૬માં પત્ની તથા બાળકોને લંડન બોલાવ્યાં.
સેવાભાવી સ્વભાવ એટલે વિલ્સડન એશિયન નેબરહુડ પ્રોજેક્ટ, ડડનહીલ કોમ્યુનિટી સેન્ટર ચલાવતા નગીનભાઇ મિસ્ત્રીનો સંપર્ક થયો. એમની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા. એ સમયે એડનથી લંડન વસવાટ કરવા આવેલ વણિકોએ ‘એડન વણિક એસોસિએશન”ની સ્થાપના કરી તેમાં થોડા વર્ષો સેવા આપી. આમ જીવનની ગાડી પાટા પર સરસ રીતે ચાલી રહી હતી ત્યાં બીજો મોટો કારમો આઘાત જીવનમાં સહેવાનો આવ્યો. જિંદગી એનું નામ છે ! ‘કભી ખુશી, કભી ગમ’.
નવનાતનું સેવાકાર્ય : જીવનસાથી ગુમાવ્યાની એકલતાનો અક્સિર ઉપાય..
૧૯૯૯માં નલીનભાઇના ધર્મ પત્ની દિનાબહેનની ટર્મીનલ માંદગીને કારણે એમનું ધ્યાન રાખી શકાય એથી વહેલી નિવૃત્તિ લઇ લીધી પરંતુ ઇશ્વરની લીલા કોણ પામી શક્યું છે? ૨૦૦૩માં પત્નીએ છેલ્લા શ્વાસ લઇ અંતિમ વિદાય લીધી. પત્ની ગુમાવ્યાનો ગમ અને એકલતાએ જીવનને નિરસ બનાવી દીધું. આ એકલતા નિવારવા નવનાત ભવનમાં જવાનું ચાલુ કર્યું. અને સેવા કાર્યમાં સક્રિય બનવાનો નિર્ધાર કર્યો. અગાઉ નવનાત યુવા વડિલ મંડળ જૂના ભવનમાં આશરે ૫૦ સભ્યોથી શરૂ થયું હતું. પછી હેઝમાં નવું સેન્ટર તૈયાર થયા બાદ ૨૦૦૯માં વડિલ મંડળ પુન:
શરૂ થયું.
જેના પ્રથમ પ્રેસિડેન્ટનો તાજ નલિનભાઇના શિરે મુકાયો. આજે આ વડિલ મંડળના ૬૦૦ થી પણ વધુ સભ્યો બન્યા છે. અને વિવિધ પ્રવૃત્તિઓ વડીલોને તરો તાજા રાખે છે. વડીલોને સન્માન સાથે મનોરંજન મળે અને શેષ જીવન સરસ રીતે વીતે એવું વાતાવરણ મળે એથી વધુ શું જોઇએ?
વડિલ મંડળની હાલની કમિટીના પ્રમુખ શ્રી નટુભાઇ મહેતા છે. જેમની આગેવાની હેઠળ પ્રોગ્રામોનો સીલસીલો ચાલુ રહ્યો છે.
સમાજના આવા દીવડાંઓ જ દિવા દાંડી સમાન બની રહેતા હોય છે.
અમારા સૌ સુજ્ઞ વાચકગણને નમ્ર વિનંતિ કે, આવા દીવડાંઓની અમને ઓળખ કરાવજો જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ સમા
બની રહે.


comments powered by Disqus