અદાણીને આપેલી મુન્દ્રાની ગૌચરની જમીન પરત કરો: હાઈકોર્ટનો આદેશ

Wednesday 10th July 2024 05:16 EDT
 
 

અમદાવાદઃ મુન્દ્રા પોર્ટમાં સરકાર દ્વારા અદાણીને ફાળવી દેવાયેલી જમીન મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. વર્ષ 2011માં મુન્દ્રાના નવીનાળ ગામના 12 લોકોએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ હવે અદાણીએ 100 હેક્ટર જમીન નવીનાળ ગામના લોકોને પરત આપવી પડશે.
નોંધનીય છે કે, વર્ષ 2005માં SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) તથા અદાણી મુન્દ્રા પોર્ટને જમીન આપી દેવાઈ હતી, જેના લીધે નવીનાળ ગામના લોકો પાસે ગૌચર જમીન બચી નહોતી. ગૌચર જમીન પરત લેવા માટે અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
સરકાર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી
બાંયધરી આપ્યા બાદ સરકારે જણાવ્યું કે, જમીન આપી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી. જો કે ત્યાંથી પણ સરકારને આંચકો લાગ્યો અને મેરિટના આધારે હાઇકોર્ટને જ નિર્ણય લેવા જણાવ્યું.
276 એકર જમીન સરકારે આપી હતી
મુન્દ્રા પોર્ટને નવીનાળની આશરે 276 એકર જેટલી જમીન સરકારે આપી હતી, જ્યારે ગામના પ્રાણીઓને જોતાં 310 એકર ગૌચર જમીનની જરૂર છે. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સરકારે જણાવ્યું હતું કે, સમયાંતરે નવીનાળ ગામમાં 700થી વધુ પ્રાણી છે. કુલ 129 હેક્ટર જેટલી જમીન ગ્રામવાસીઓને મળી શકે તેમ છે. જે સંદર્ભે કોર્ટે રેવન્યૂ વિભાગના સેક્રેટરી અને કલેક્ટર સહિતની એફિડેવિટ માગી હતી.


comments powered by Disqus