ભુજઃ ચાલુ વર્ષે રાજ્ય પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ જેઠમાં જ સારો વરસાદ પડ્યો છે. જો કે આ વરસાદ સચરાચરો ન હોતાં ડેમ-જળાશયોમાં પાણીની કોઈ નોંધનીય આવક થઈ નથી. ગયા વર્ષની સરખામણીએ કચ્છના ડેમોમાં 20 ટકા ઓછો જળસંગ્રહ થયો છે.
જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 25 ટકા વરસાદ વરસ્યો છે. 10 પૈકીના 6 તાલુકા એવા છે કે, જેમાં 20 ટકાથી ઓછી મેહવર્ષા છે. ખાસ કરીને કેચમેન્ટ વિસ્તારમાં તુલનાત્મક રીતે ઓછો વરસાદ પડ્યો છે, જેની સીધી અસર ડેમોના જળસંગ્રહ પર પડી છે.કચ્છમાં ગયા વર્ષે બિપરજોય વાવાઝોડાંની અસર તળે જૂનમાં જ 87 ટકા જેટલો વરસાદ પડતાં મધ્યમ સિંચાઈ યોજના હસ્તકના કેટલાક ડેમ ઓવરફ્લો થવા સાથે કુલ 50 ટકા જેટલો જળસંગ્રહ થયો હતો, જેની સરખામણીએ આ વખતે હજુ સુધી 25 ટકા વરસાદ પડ્યો છે. મધ્યમ કક્ષાના ડેમોમાં અત્યાર સુધી 21.57 ટકા જળસંગ્રહ થયો છે. 20 પૈકી સૌથી વધુ 82 ટકા પાણી મુંદ્રા તાલુકાના કારાઘોઘા ડેમમાં સંગ્રહિત થયું છે.
કારાઘોઘા ડેમને એલર્ટ પર રખાયો છે. બીજી બાજુ 7 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી બચ્યું છે, એટલે કે આ ડેમ મોટાભાગે તળિયાઝાટક છે. સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં માત્ર 0.30 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે.