નવનાત વડિલ મંડળના આઠ દાયકા પાર કરી સદી ફટકારવાની આરે આવેલા વડીલોનું સન્માન કરવાની સમાજની પ્રથા માન ઉપજાવે તેવી છે.
શુક્રવાર ૫ જુલાઈનો દિવસ વડિલો માટે ઉમંગ-ઉત્સાહનો શુભ સંદેશ લઇને ઉગ્યો હતો. ૪૫૦ જેટલી વિશાળ સંખ્યામાં વડિલો સાથે એમના નજીકના વ્યક્તિઓ પણ આ બહુમાનને વધાવવા આવ્યા હતા. આ પ્રસંગે નવનાત વણિક સમાજના પ્રેસિડેન્ટ શ્રી જસવંતભાઇ દોશી, વાઇસ પ્રેસિડેન્ટ સુભાષભાઇ બખાઇ, વણિક કાઉન્સિલના ચેર શ્રી મનહરભાઇ મહેતા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. હોલની સજાવટ શ્રીમતી હસ્મિતાબહેન દોશી, શ્રી જગદીશભાઇ સાંગાણી, મીનાબહેન વગેરેએ કરી હતી. ઉપપ્રમુખ ભરતભાઇએ કિચન વ્યવસ્થા અને લંચ સમયની સેવાની જવાબદારી સુપેરે સંભાળી હતી. કો-ઓર્ડીનેટર્સની અથાક જહેમતના એમાં દર્શન થતાં હતાં. સવિશેષ શકુબહેન શેઠ અને અનસૂયાબહેનની
આગેવાની હેઠળ કિચન કમિટીની બહેનોની સેવાને સૌએ મોકળા મને સરાહના કરી હતી. માઇક સિસ્ટમ અને મ્યુઝીકની વ્યવસ્થા કિશોરભાઈ બાટવીઆએ કરી હતી.. સૌ પ્રથમ કો-ઓર્ડીનેટર્સ મીનાબહેન અને બંસરીબહેને કાર્યક્રમની રૂપરેખા રજુ કરી. પ્રેસિડેન્ટ શ્રી નટુભાઇ મહેતાએ સૌનું સહર્ષ સ્વાગત કર્યું, પહેલા ૯૦ વર્ષના અને ત્યારબાદ ૮૫ વર્ષના વડીલોનો ટૂંકમાં પરિચય મીનાબહેન અને બંસરીબહેન આપ્યો. વડીલોનું સન્માન કમિટી સભ્યો અને અગ્રણીઓના હસ્તે સન્માન સર્ટીફિકેટ અને ગીફ્ટ એનાયત કરી કરાયું. ૨૪ જણના બહુમાનની નામાવલિમાં સાત જણની ગેરહાજરી હતી.
સન્માનિત ભાઇ-બહેનો :
• શાંતાબહેન વી.શાહ • શીરીષભાઇ પી. પરીખ • સૂર્યકાન્ત જે.શાહ • દોલતરાય ટી. શેઠ • વનેચંદ સંઘરાજકા • કુસુમબહેન આર. વારીયા • પ્રેમિલાબહેન આર. કપાશી • નલીનકુમાર યુ. ઉદાણી • જશુભાઇ દીઓદ્રા • સુરેશભાઈ આર. દાડિયા
• હીરાલાલ ડી.ગાંધી • શિરીષભાઈ કોઠારી • રસિકલાલ પી. પારેખ • જયસુખલાલ બી.મહેતા • સુશીલાબહેન કોઠારી
• દીનકરલાલ કોઠારી • અરવિંદભાઇ સી. શાહ...અને
નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શકેલ: શ્રીમતી રંજનબહેન જાની • કમલભાઇ બાટવીયા • મધુકાન્તાબહેન વિભાકર ‘ભાનુચંદ્ર ડી. ખિલોસિઆ • રમેશભાઈ મહેતા
• ચંદ્રકાન્ત બખાઇ અને નલિનભાઇ અવલાણી.
આ પ્રસંગે પ્રાસંગિક ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સ્નાબહેન શાહે એમના વક્તવ્યમાં વડીલોના સન્માનની ગૌરવદાયી પરંપરા શરૂ કરવા માટે એના પૂર્વ પ્રમુખ શ્રી નલીનભાઇ ઉદાણીને અભિનંદન આપ્યા. અને જણાવ્યું કે, આજનો પ્રસંગ વડિલો માટે ખુશીઓથી ભરી દે તેવો છે. વડિલ મિત્રો, આપ જેઓ ૮૫-૯૦ની વય વટાવી ગયા છો એ જ ઇશ્વરની સૌથી મોટી ભેટ છે. જીવનમાં હકારાત્મક અભિગમ અપનાવવાને કારણે તો આપ સૌ દીર્ધાયુના હક્કદાર બન્યાં છો. આપણે સૌ જીવનમાં ખુશી આવે એવું ઇચ્છતા હોઇએ છીએ. પણ એ આવે કઇ રીતે? દરેક નિવૃત્તજનોએ પોતાની મનગમતી પ્રવૃત્તિઓ અને પૂરા ન થયેલ શોખને પોષવા પ્રવૃત્ત બનવાનું. અને આપ સૌ માટે તો જવાબ સરળ છે: નવનાત વડિલ મંડળના મેમ્બર થઈને! નવનાતના સૌ વડિલો માટે શુક્રવાર એટલે એકબીજાને મળી અલક-મલકની વાતો કરી દિલને બહેલાવવાનું અને ગમને વિસારે પાડી દેવાનું! યોગા-કસરત જેવી પ્રવૃત્તિઓ કરવાની. મનપસંદ રમતો રમવાની. ગુજરાત સમાચાર જેવા ન્યુઝપેપરના સારા વાંચનથી મનને તંદુરસ્ત રાખવાનું. ધનનો સદુપયોગ કરી જીવનને ધન્ય બનાવવાનું....વૃદ્ધાવસ્થાને હડસેલી યુવાનીનો અનુભવ કરવાનો....
સંગીત, વાર્તાલાપ, ટેલન્ટ શો વગેરેની મહેફિલ માણવાની અને એમાં ભાગ લઇ અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાની અવનવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઇ આનંદ સિવાય બીજો કોઇ વિચાર જ નહિ કરવાનો!
યુવાનીમાં બે સાંધા મેળવવામાં કેટલીય પ્રવૃત્તિઓ અને શોખ પોઝ પર મુકાયો હોય એને એક્ટીવ કરવાની આ વય... નિવૃત્તિમાં મનપસંદ પ્રવૃત્તિઓ અને શોખને જાગ્રત કરી જીવનની એક એક ક્ષણ માણવાની અણમોલ ઘડી. જૂની યાદોં તાજી કરી એના પર હસવાનું અને હસાવવાનું વૃધ્ધાવસ્થાની આ તો મસ્તી છે. ઉમર તો એક માત્ર આંકડો છે. દિલ તો જવાન ને સ્ફૂર્તિલું જ! નાની-મોટી વ્યાધિઓ તો આવે ને જાય. હવે સમય આવ્યો છે, રોજબરોજની ચિંતાઓ છોડી જીવન માણવાનો! આપણા અનુભવ અને શાણપણનો લાભ નવી પેઢીને આપવાનો. આપણા જીવનના સંઘર્ષની સ્ટોરી કહીને આપણા સંતાનોના રોલમોડેલ બનવાનું છે. એમને પણ અહેસાસ થાય કે અમારા માતા-પિતાએ વેઠેલ સંઘર્ષના પ્રતાપે આજે અમારા માટે સુખનો સૂરજ ઉગ્યો છે. વડિલ મંડળના પ્રમુખ શ્રી નટુભાઇ, પૂર્વ પ્રમુખ નલીનભાઇ ઉદાણી, ઉપપ્રમુખ ભરતભાઇ, આ ઇવેન્ટના કો-ઓર્ડીનેટર્સ (મીનાબહેન અને બંસરીબહેન), કમિટીના સભ્યો અને રસોઇ ટીમના શકુબહેન, અનસૂયાબહેન સૌ સેવાભાવીઓ, સ્વયંસેવકો... વગેરે સેવા કરવામાં આનંદ અને ખુશી અનુભવે છે. આ ખુશી અન્યો માટે ઉપયોગી થવામાં મળે છે. દીર્ઘાયુ અને તંદુરસ્તી આ બે જીવનના મુખ્ય પાસાંઓ છે.
અને છેલ્લે વૃધ્ધત્વના મોજની કવિતા રજુ કરી..
જશુબહેન શેઠે પણ રમુજભરી પંક્તિઓ રજુ કરી સૌના ચહેરા પર હાસ્ય રેલાવ્યું. ચા-નાસ્તાથી સવારનો શુભારંભ અને કાર્યક્રમના સમાપન બાદ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી મીઠી યાદોં અને આવતા શુક્રવારે ૧૨ જુલાઇના રોજ વડીલોના 'ગ્રાન્ડ વેરાયટી શો' માં વડીલોના ટેલન્ટનું મનોરંજન માણવાની આશા સહિત ફરી મળવાના કોલ સાથે સૌએ વિદાય લીધી.