યુકેમાં વીતેલું સપ્તાહ રાજકીય ઘટનાક્રમોથી ભરપૂર રહ્યું. નિયત સમય પ્રમાણે 4 જુલાઇના રોજ હાઉસ ઓફ કોમન્સની 650 બેઠકો માટે મતદાન યોજાયું, 48 કલાક કરતાં ઓછા સમયમાં પરિણામ આવ્યાં અને પછીના 24 કલાકમાં લેબર પાર્ટીની નવી સ્ટાર્મરપ સરકાર અને કેબિનેટે સત્તાના સૂત્રો પણ સંભાળી લીધાં. બીજીતરફ 14 વર્ષ બાદ પહેલીવાર સત્તામાંથી બહાર ફેંકાઇ ગયેલી કન્ઝર્વેટિવ પાર્ટીમાં પરાજય માટે આત્મમંથન કરતાં આરોપ પ્રત્યારોપ વધુ જોવા મળ્યાં. વહેલી ચૂંટણી જાહેર કરવા, વેટરન્સ ડેની ઉજવણીમાંથી વહેલા નીકળી જવા, માઈગ્રેશન અટકાવવામાં નિષ્ફળતા, એનએચએસની ગંભીર કટોકટી મુદ્દે કન્ઝર્વેટિવ નેતાઓ રિશી સુનાક પર માછલાં ધોતાં જોવા મળ્યાં. આર્થિક મંદી અને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાંથી દેશ અને જનતાને બહાર લાવવાના સફળ અને પ્રમાણિક પ્રયાસો માટે તેમની કોઇ પ્રશંસા કરી રહ્યું નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સુનાક પહેલાંના કન્ઝર્વેટિવ વડાપ્રધાનોએ શાસનમાં કરેલી હારાકિરીના કારણે પાર્ટીનું પરાજયની ગર્તામાં ધકેલાઇ જવું નિશ્ચિત જ હતું. બ્રિટિશ મતદારોમાં કન્ઝર્વેટિવ પાર્ટી વિરુદ્ધનો લાવા તો કોરોના મહામારીના સમયથી ખદબદી રહ્યો હતો. બોરિસ જ્હોન્સનના નેતૃત્વમાં જે રીતે ટોરી સરકાર મહામારી સામે જનતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઇ, જનતા પર નિયંત્રણો લાદ્યાં પરંતુ પોતે તો પાર્ટીઓમાં રાચતાં રહ્યાં તેના કારણે જનતા લોઢું ગરમ થાય અને હથોડો મારવા રાહ જોઇને બેઠી હતી પરંતુ તેને ચૂંટણી સિવાય તક મળે તેમ નહોતી. જ્હોન્સન બાદ ફક્ત 49 દિવસ માટે સત્તામાં આવેલા લિઝ ટ્રસે તો જાણે કે શાસનનું દેવાળું ફૂંક્યું હતું અને સમગ્ર દેશ આર્થિક અંધાધૂંધીમાં સપડાઇ ગયો હતો. કોમન્સમાં બહુમતી હોવાના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી જનતાની સમસ્યાઓ અભેરાઇ પર ચડાવીને સત્તામાં ટકી રહેવા માટે એક પછી એક નેતા જનતા પર થોપતી રહી હતી. આ તો નજીકના ભૂતકાળની વાત થઇ પરંતુ છેલ્લા 10 કરતાં ઓછા વર્ષમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ પાંચ વડાપ્રધાન દેશને આપ્યાં જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ખડી પડી, ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચે પહોંચ્યો, એનએચએસ ગંભીર કટોકટીમાં સપડાઇ ગઇ, હાઉસિંગ સમસ્યા વધુ વિકરાળ બની... આવી તો ઘણી સમસ્યાઓ ઉદ્દભવી પરંતુ તેના યોગ્ય ઉકેલને બદલે પાર્ટીના નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચવામાં જ રચ્યા પચ્યાં રહ્યાં. જનતા મૂર્ખ નથી, તેના આંખ અને કાન હંમેશા ખુલ્લાં હોય છે અને લોકશાહીમાં તે ચૂંટણીની એરણ પર નકામી સરકાર અને નેતાઓનો ઘડો લાડવો કરવામાં જરાપણ કસર બાકી રાખતી નથી એવું નથી કે લેબર પાર્ટીએ આ વખતની ચૂંટણીમાં જનતાને સોનેરી વચનો આપ્યાં હતાં. લેબર અને ટોરીઝે પ્રચારમાં રજૂ કરેલી નીતિઓમાં પણ ઝાઝો તફાવત જોઇ શકાતો નહોતો. તેમ છતાં વિવિધ ઓપિનિયન પોલ લાંબા સમયથી કન્ઝર્વેટિવ પાર્ટીના પરાજયની આગાહીઓ કરી રહ્યાં હતાં. એ વાસ્તવિકતાનો કોઇ ઇનકાર કરી શકે તેમ નથી કે રિશી સુનાક વડાપ્રધાન બન્યા પછી ખડી પડેલી અર્થતંત્રની ગાડી ફરી એકવાર પાટા પર દોડવા લાગી હતી, ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2.0 ટકાના લક્ષ્યાંક પર આવી જતાં જનતાને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં મોટી રાહત મળી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીને જે 121 બેઠક મળી તે પણ રિશી સુનાક દ્વારા અપનાવાયેલી નક્કર નીતિઓનું જ પરિણામ છે અન્યથા પાર્ટી 60-70 બેઠકોની આસપાસ સમેટાઇ જવાની પુરેપુરી સંભાવના હતી. આમ ટોરીના પરાજય માટે સુનાક પર દોષનો ટોપલો ઢોળી દેવો તદ્દન અયોગ્ય કહી શકાય.