જૂનાગઢઃ સુપ્રસિદ્ધ પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ પ્રસંગે હૈયે હૈયું દળાઈ તેટલો માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. આ પ્રસંગે ધ્વજારોહણ, મહાઆરતી, લોકડાયરો સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પરબધામના મહંત કરસનદાસ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ વિધિ બાદ લોકમેળો શરૂ થયો હતો. બે દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. આ પ્રસંગે દસ હજાર સ્વયંસેવકો સેવા આપવા હાજર હતા. ભોજન પ્રસાદ પાંચ મહાકાય રસોડામાં તૈયાર કરાયો હતો. એક પગંતમાં એક લાખ લોકો સાથે બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા હતી.