સિદ્ધપુરઃ અષાઢી બીજે પાટણના 200 વર્ષ જૂના ભગવાન જગન્નાથનાના મંદિરથી ઐતિહાસિક 142મી રથયાત્રા નીકળી. પાટણ શહેરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મંદિર ઓરિસ્સાના જગન્નાથપુરીના જગન્નાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જેવું જ કલિંગા શૈલીનું મકરાના માર્બલથી બનશે, જે ગુજરાતમાં પ્રથમ હશે.
મંદિર બનાવવા પથ્થરોની એક ટ્રક સોમવારે આવી પહોંચી છે. આ મંદિર પૂર્વ દિશામાં આકાર પામશે અને તેની ઊંચાઈ 45 ફૂટ હશે. ખાસ વાત એ છે કે મંદિર નક્ષત્રને ધ્યાને લઈને બનાવાઈ રહ્યું છે.
મંદિર માટે દાન આપનારા આર્કિટેક્ટ પિયૂષ સોમપુરાએ જણાવ્યું કે, આપણે જે મંદિર બનાવીએ છીએ, તે પુરી મંદિરની રેપ્લિકા હશે. એમાં બે મંડપ છે- ગોઢ મંડપ અને નૃત્યમંડપ. એની આગળ શણગાર ચોક, તે આખું મકરાના માર્બલથી તૈયાર થશે. કલિંગા શૈલીમાં શિખરની અંદર બધા ઇન્ડક હોય છે.
દરેક ભગવાનના અલગ યંત્ર
પિયૂષ સોમપુરાએ જણાવ્યું કે, દરેક ભગવાનના અલગ યંત્ર હોય, જગન્નાથ મંદિરના ગર્ભગૃહનો જે પ્લાન છે તે યંત્ર જ છે. ભગવાનના સ્થાનની ઉપર કળશ આવે, કળશમાં તેમની સ્થાપના હોય. યંત્ર આપ્યા પછી પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત થતું ન હોવાથી ભગવાનના આત્મારૂપી મૂર્તિ મૂકવામાં આવે.