રાજકોટઃ પીપળિયા ગામમાં શુક્રવારે એક નકલી શાળા પકડાતાં રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે. 7 જેટલી દુકાનમાં વર્ષ 2018થી એટલે કે 6 વર્ષથી LKGથી લઈને ધોરણ-10 સુધીની નકલી શાળા ધમધમતી હોવાનું સામે આવતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે તાત્કાલિક આ સ્કૂલને સીલ કરી દીધી છે. આ સ્કૂલમાં હાલ 29 બાળકો ભણતાં હોવાનું સામે આવ્યું છે. પીપળિયા ગામની સીમમાં ગૌરી પ્રિ-પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામે ચાલી રહેલા શિક્ષણના કાળા કારોબાર પર દરોડો પાડી બંધ કરાવાઈ હતી.
સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત એ છે કે, પીપળિયાની જે નકલી સ્કૂલ સીલ કરવામાં આવી છે ત્યાંથી રાજકોટ શહેરની કાયદેસર ચાલતી ત્રણ સ્કૂલની માર્કશીટ અને લીવિંગ સર્ટિફિકેટ મળ્યાં છે, જેમાં શહેરના પેડક રોડ પર આવેલી નક્ષત્ર સ્કૂલ, કુવાડવા રોડ પર આવેલી અક્ષર સ્કૂલ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી રાધેકૃષ્ણ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્કૂલના પરિણામ અને એલસી મળતાં તે સ્કૂલના સંચાલકોની પણ સંડોવણી હોવાની શક્યતા રહેલી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શુક્રવારે સવારે તાત્કાલિક ધોરણે આ સ્કૂલને સીલ કરી દેવાઈ છે.
વીજજોડાણ પણ ગેરકાયદે
ગેરકાયદે ધમધમતી ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલનું વધુ એક કૌભાંડ પણ સામે આવ્યું છે. જ્યાં આ સ્કૂલ ચાલે છે ત્યાં કાયદેસરનું વીજ જોડાણ જ નહોતું. સ્કૂલની પાછળ જ આવેલા મંદિરના મીટરમાંથી ડાયરેક્ટ છેડા આપીને પાવરચોરી કરીને શાળા ચલાવાતી હોવાનું સામે આવ્યું છે. જે જગ્યાએ સ્કૂલ ચાલતી હતી તેની પાછળ જ એક મંદિર છે તેના મીટરમાંથી વાયર લંબાવીને સીધો જ આ દુકાનમાં આપવામાં આવ્યો હતો. મહત્ત્વની બાબત એ છે કે પીજીવીસીએલનો સ્ટાફ દર મહિને કે બે મહિને જ્યારે મીટર રીડિંગ કરવા જાય કે બિલ બનાવવા જાય ત્યારે પણ આ ગેરકાયદે વીજ જોડાણ લીધેલું છે તેની ખબર નહીં પડી હોય કે ઈરાદાપૂર્વક આ કૌભાંડ છુપાવાઈ રહ્યું છે.