વાવઃ બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં સરેરાશ એકથી 11 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. લાખણીમાં સવારથી સાંજ સુધી 11 ઈંચ વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના ભાભર, દિયોદર અને અમીરગઢ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ સિવાય 11 તાલુકામાં યલો એલર્ટના પગલે ધોધમાર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના જિલ્લાના સરહદી અને ભારત-પાકિસ્તાની બોર્ડર પર આવેલા સૂઈગામ તાલુકાના નડાબેટનું રણ સમુદ્રમાં ફેરવાઈ ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદથી નડાબેટના રણમાં પાણીની આવક થતાં રણમાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. બારે માસ સૂકુંભઠ રહેતા નડાબેટના રણ દરિયા જેવું દેખાઈ રહ્યું હતું.