યુકેના વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવેલા સર કેર સ્ટાર્મરને ભલે હાઉસ ઓફ કોમન્સમાં 200 કરતાં વધુ બેઠકોની બહુમતી પ્રાપ્ત થઇ હોય પરંતુ આગામી સમયમાં તેમના શાસનની અગ્નિ પરીક્ષા થશે. સત્તામાંથી વિદાય થયેલા વડાપ્રધાન રિશી સુનાકની સામે જે પડકારો હતા તે જ પડકારો આજે સ્ટાર્મરની સામે મોં ફાડીને ઊભા છે. હા, એક વાત છે કે પ્રચંડ બહુમતી સાથે લેબર પાર્ટી સત્તામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી બ્રિટનમાં જોવા મળતી રાજકીય અસ્થિરતાનો અંત આવે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. જોકે બ્રિટનની આર્થિક સ્થિતિ, એનએચએસમાં પ્રવર્તી રહેલી કટોકટી, છેલ્લા કેટલાંક વર્ષોમાં બેફામ બનેલ ગેરકાયદેસર માઇગ્રેશન, આરોગ્ય અને વિવિધ સેક્ટરોમાં કર્મચારીઓમાં પ્રવર્તતો અસંતોષ, હાઉસિંગની સમસ્યાઓ, ક્લાઇમેટ ચેન્જ માટેની નીતિ, યુરોપ સાથેના સંબંધોની પુનઃસ્થાપના, યુક્રેન યુદ્ધના કારણે રશિયા તરફથી ઊભા થઇ રહેલા પડકારો, પેલેસ્ટાઇન મુદ્દે નિર્ણાયક વલણ સહિતના ઘણા પડકારો સામે સ્ટાર્મર સરકારે બાથ ભીડવાની છે. આ તમામ પડકારો વચ્ચે કેર સ્ટાર્મરે લેબર પાર્ટીના ભારત સાથેના સંબંધોને પણ નવા આયામ આપવાના છે. આમ તો લેબર પાર્ટી ભારત માટે ઘણી લાભદાયી રહી છે પરંતુ જેરેમી કોર્બિનના નેતૃત્વના સમયગાળામાં પાર્ટીએ કાશ્મીર મુદ્દે અપનાવેલા વલણને કારણે લેબર પાર્ટી અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો વણસી ગયાં હતાં. સપ્ટેમ્બર 2019માં કોર્બિનના નેતૃત્વમાં લેબર પાર્ટીએ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય ઓબ્ઝર્વર્સ મોકલવા અને કાશ્મીરની જનતાને જનમતનો અધિકાર આપવાની માગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવવા માટે બંને દેશના હાઇ કમિશ્નર સાથે કોર્બિનની મુલાકાતનો પણ નિર્ણય લેવાયો હતો. ભારતે આ ઠરાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેને મતબેંકની રાજનીતિ ગણાવી હતી. જોકે કોર્બિનની વિદાય બાદ લેબર પાર્ટીના નેતા બનેલા સર કેર સ્ટાર્મરને વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર સાથેના સંબંધોનું મહત્વ સમજાયું હતું. તે ઉપરાંત બ્રિટિશ ભારતીય સમુદાયના લાખો મતદારોના મત પણ લેબર પાર્ટી માટે અત્યંત આવશ્યક હતાં. લેબર પાર્ટીના ભારત વિરોધી વલણને કારણે બ્રિટિશ ભારતીયોમાં પ્રવર્તી રહેલી ઉગ્ર નારાજગીને ઠારવા માટે સ્ટાર્મરે એક મિશનનો પ્રારંભ કર્યો હતો. લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ભારત સાથેના વેપાર કરાર અને વ્યૂહાત્મક ભાગીદારીને ઉચ્ચ મહત્વ આપ્યું હતું. ભારતીય ડાયસ્પોરા અને પોતાના જાહેર સંબોધનોમાં સ્ટાર્મર એ વાત પર ભાર મૂકતાં રહ્યાં હતાં કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાન તથા ભારતે તે સાથે મળીને ઉકેલવો જોઇએ. પોતાના પ્રચાર અભિયાન દરમિયાન પણ સ્ટાર્મરે ભારતીય ડાયસ્પોરા સુધી પહોંચવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. દીવાળી અને હોળી જેવા તહેવારોની ઉજવણીમાં તેઓ ખુલ્લા મનથી સામેલ થતાં હતાં. હિન્દુ મંદિરોમાં પહોંચીને લેબર પાર્ટીના બદલાયેલા વલણની ભારતીય મતદારોને અનુભૂતિ કરાવી હતી. હવે સ્ટાર્મરે તેમની સરકારની નીતિઓમાં પણ ભારત તરફી વલણને મહત્વનું સ્થાન આપવું પડશે. લેબર સરકાર ભારત સાથેના મુક્ત વેપાર કરાર અને વ્યૂહાત્મક સંબંધોને પ્રાથમિકતા આપી તો રહી છે પરંતુ કાશ્મીર, ખાલિસ્તાની અલગતાવાદીઓ જેવા ભારતને કનડતા મુદ્દાઓ માટે પણ ભારત તરફી વલણ અપનાવવું પડશે. આજે ભારતના વિશાળ બજારની દુનિયાના દરેક દેશને જરૂર છે. મુક્ત વેપાર કરારમાં ભારતની માગણીઓ સ્વીકારવાનો પડકાર પણ સ્ટાર્મર સરકાર માટે કુનેહ માગી લેનારો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહ્યું કે સ્ટાર્મર ભારત સાથેના સંબંધો કેવી રીતે અને કેટલે અંશે મજબૂત બનાવે છે.