મનસુખ સાગઠિયાના લોકરમાંથી રૂ. 18 કરોડનો બેનામી દલ્લો મળ્યો

Wednesday 10th July 2024 05:18 EDT
 
 

રાજકોટઃ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં રૂ. 28 કરોડની મિલકત મળી આવી છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012થી 2024 સુધી સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતો અપનાવી રૂ. 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કરતાં તેની સામે ગુનો નોંધાયો હતો. 3 જુલાઈએ ફરી તેની ઓફિસ પર તપાસ કરાતાં વધુ રૂ. 18 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. જેમાં રોકડ રકમ ગણવા એસીબીએ મશીન મગાવવું પડ્યું હતું, તેમ છતાં ગણતરી કરતાં સાડા ચૌદ કલાક લાગ્યા હતા.
ડિજિટલ લોકથી સુરક્ષિત હતી સંપત્તિ
એસીબી અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠિયાની ધરપકડ કરી અમદાવાદની તેની ઓફિસે પહોંચી હતી. જો કે, આ વખતે સાગઠિયાએ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી પોતાના ફિંગર વડે બે ડોર ખોલી આપ્યા હતા. એટલું જ નહીં ઓફિસમાં જે તિજોરી હતી તેમાં ડિજિટલ લોક હતું. જેનો પાસવર્ડ પણ સાગઠિયાએ આપતાં એસીબીએ ડોર ખોલી જોતાં અંદરથી રૂ. 18.18 કરોડની મતા મળી આવી હતી. જેમાં રોકડ તેમજ સોના-ચાંદી અને ડાયમંડનાં ઘરેણાં સામેલ છે. સોમવારે રાત્રે
દોઢ વાગ્યાથી શરૂ થયેલી એસીબીના પંચનામાની કાર્યવાહી બુધવારે સાંજે ચાર વાગ્યા સુધી ચાલી હતી.
જીવનભરનો પગાર પણ રૂ. 28 કરોડ નહીં
મનસુખ સાગઠિયાને 7 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સાગઠિયા પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાનના સમગ્ર પગારની બચત કરે તો પણ તેઓ રૂ. 28 કરોડની મિલકત વસાવી શકે નહીં. આ કારણે તેની પાસેથી જે મિલકતો મળી આવી છે તે ખરેખર તેની બેનામી ખરીદેલી છે કે આવી મિલકતના તેઓ રખેવાળ છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. ઓફિસ તેઓની હાજરીમાં ખોલાવવામાં આવેલ ત્યારે આ ઝવેરાતોનું વજન, મૂલ્યાંકન અને રોકડ રકમની ગણતરી 10 કલાકથી વધુ સમય ચાલી હતી.


comments powered by Disqus