જૂનાગઢ: જૂનાગઢ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક દરિયો બની ગયો છે, જે અંતર્ગત ઘેડ પંથકનાં 12થી વધુ ગામમાં પાણી ઘૂસી ગયાં હતાં. તો બીજી તરફ ખેતરોમાં પાણી ઘૂસતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ઘેડ પંથકનાં અનેક ગામો બેટમાં ફેરવાતાં તારાજીનાં દૃશ્યો સર્જાયાં હતાં. ખેડૂતોએ વાવેલા પાકનો સોથ વળી ગયો હતો, તો ઘણાં ખેતરોમાં બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો હતો.
અનેક ગામ બેટમાં ફેરવાયા
જૂનાગઢના બામણાસા ઘેડ પંથકના પાડોદર, સરોળ, અખોદર બાલાગામ, પંચાળા, સાંઢા, મઢડા જોનપુર, આખા, મટિયાણા, આંબલિયા ગામ બેટમાં ફેરવાયાં હતાં. તો માણાવદર તાલુકાના બાંટવામાં પાણી ઘૂસી ગયું હતું. આ સાથે મરમઠ, પાજોદ, સરાડિયા, લીંબોડા, દેશિંગા, કટવાણા, ચિખલોદરા, થેપડા, વેકરી ગામ પણ બેટમાં ફેરવાયાં હતાં. ભારે વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં 3 ફૂટથી લઈ 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની વળતરની માગ
લગભગ દરવર્ષે ઘેડ પંથકની સ્થિતિ કંઈ આ જ પ્રકારે થાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં મહામૂલો પાક પાણીમાં ધોવાઈ જાય છે. આ વખતે પણ ખેડૂતોને માંડવી સહિતના પાકનું મોટું નુકસાન થતાં ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની માગણી કરવામાં આવી છે.