વડોદરાઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને લંડનમાં રહેતા એનઆરઆઇ સાથે શહેરના લેભાગુ એસ્ટેટ એજન્ટે રૂ. 1.18 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાઈ છે, જેની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા કરી રહી છે.
એનઆરઆઇ જિતેન્દ્રભાઇ આર. પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે તે પ્રમાણે, તેઓ લંડનમાં રહે છે અને તેમનું વતન ધર્મજ રણોલી બોરસદ છે. વર્ષ 2011માં તેમણે અને તેમના ભાઈએ મૂડીરોકાણ કરવાના હેતુથી માંજલપુર ગામે ક્રિષ્ના એવન્યુના 6 તથા ગોત્રી ટીબી દવાખાનાની સામે સંકલ્પમાં 6 ફ્લેટ ખરીદ્યા હતા. જે તમામ ફ્લેટની કિંમત પેટે 1,17,45,000 રૂપિયા ચુકવ્યા હતા. બાદમાં વર્ષ 2022 દરમિયાન જિતેન્દ્રભાઇ અને તેમના ભાઈ ભારત પરત ફર્યાં હતાં અને ગોત્રી ખાતે આવેલા સંકલ્પ ફ્લેટ પર તપાસ કરવા માટે ગયાં હતાં. દરમિયાન તેજસ મહેન્દ્ર ભટ્ટ નામના શખ્સે એસ્ટેટ બ્રોકરની ઓળખ આપી ચાર ફ્લેટ સારી બજાર કિંમતથી વેચી આપવા કહ્યું હતું.
જોકે ભેજાબાજ તેજસ ભટ્ટે સમજૂતી કરાર કરવાનું અને ફ્લેટની નક્કી કિંમત ચેક દ્વારા સિક્યોરિટી પેટે આપીને લેખ લખી આપવાનું જણાવ્યું હતું. જેથી તમામ ફ્લેટ રજિસ્ટર બક્ષિસ લેખ કરી આપ્યા હતા, જેને તેજસે બારોબાર વેચી દીધા હતા. જોકે ફ્લેટ વેચીને મળેલી રકમ જિતેન્દ્રભાઈને આપી ન હતી.