શહેરાઃ રાજધાની દિલ્હીમાં શુક્રવારે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સૈન્ય તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કર્યાં હતાં. જેમાં 21મી બિહાર રેજિમેન્ટના એકમાત્ર ગુજરાતી જવાન સંજય બારિયાને શૌર્યપદક એનાયત કરાયો હતો. શહેરાના ખોજલવાસા ગામના વતની સંજય અને તેમની રેજિમેન્ટે આતંકવાદીઓ સાથે સતત 12 દિવસ સુધી લડત આપી હતી. તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાબય સુબેદાર સંજયકુમાર ભમરસિંહ બારિયાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે આતંકવાદીઓની ગતિવિધિ રોકવા સતત 12 દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનમાં આતંકવાદી સાથેની અથડામણમાં આતંકવાદીઓનો સફાયો કર્યો હતો, નાયબ સુબેદાર સંજયકુમાર બારિયાના આ અદમ્ય સાહસભર્યા કાર્યને કારણે શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય એરફોર્સ, નેવી અને આર્મીના જનરલ તથા સી.ડી.એસ. તેમજ વડાપ્રધાન મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના વરદહસ્તે શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા સૈનિકોને વિરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી. સંજય બારિયા વર્ષ 2001માં અમદાવાદ ખાતે યોજાયેલી ભરતી દરમિયાન ભારતીય સેનામાં જોડાયો હતો.