અમદાવાદઃ વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે અર્બન હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના સેક્રેટરીનો તપાસ અહેવાલ ફગાવ્યો હતો. હાઇકોર્ટે સમગ્ર કેસમાં સરકારને એકદમ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી જવાબદાર તમામ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય સહિતનાં પગલાં લેવા અને આ પગલાં લઈ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
આ અગાઉ હાઇકોર્ટની ખંડપીઠે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, કમિટીનો રિપોર્ટ વાંચતા એવું લાગે છે કે, તત્કાલીન વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર પ્રકરણમાં બચાવવાનો પ્રયાસ થયો છે. કેસની સુનાવણી દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ હાજર હતા, પરંતુ હાઇકોર્ટે તેમને સાંભળવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
હાઇકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે, કોર્પોરેશનના કસૂરવાર અધિકારીઓનો બચાવ તમારે કરવો જોઈએ નહીં. ખંડપીઠે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, કમિટીના રિપોર્ટમાં મ્યુનિસિપલ કમિશનરનો નહીં, પરંતુ ટેકનિકલ ઓફિસરોનો વાંક કેમ બતાવાયો છે? ખરેખર તો મુખ્ય જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની બને છે. તપાસ કમિટીએ મ્યુનિસિપલ કમિશનરનો કોઈ વાંક કે ગુનાઇત બેદરકારી દર્શાવી જ નથી.