અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39 ટકાના ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી હતી. 5 ડિસેમ્બરે ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઇમબ્રાન્ચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. રિમાન્ડમાં પ્રાથમિક પૂછપરછમાં ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીની સારવારમાં 112 દર્દીનાં મોત સહિત અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે.
3 વર્ષમાં 3842 દર્દીની PMJAY હેઠળ સારવાર
ડો. સંજય પટોળિયાની પૂછપરછમાં જણાયું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં 3 વર્ષ દરમિયાન 8534 દર્દીએ સારવાર લીધી હતી, જેમાં કુલ 112 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. આ દર્દીઓ પૈકી 3842 દર્દીની સરકારી યોજના PMJAY હેઠળ સારવાર કરાઈ હતી.
ખોટો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવ્યો
સંજય પટોળિયાની ધરપકડ કર્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવવામાં આવ્યો. આ ઓડિટ રિપોર્ટમાં હોસ્પિટલ રૂ. 1.50 કરોડની ખોટમાં હોવાનું દર્શાવાયું હતું.
PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ
ક્રાઇમબ્રાન્ચ દ્વારા આર્થિક નાણાંની હેરફેરને લઈને કરવામાં આવેલી તપાસમાં PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ હોવાનું જણાયું છે, જેની પણ તપાસ કરાઈ રહી છે.
રેલવે અને ONGC સાથે MoU થયા હતા
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેટલીક કંપનીઓ સાથે MoU કરવામાં આવ્યા હતા. જેમાં રેલવે વિભાગ અને ONGC સહિતની સરકારી અને અર્ધસરકારી સંસ્થા સાથે કરાર થયા હોવાનું જણાયું છે. જે પૈકી આ સંસ્થાના કર્મચારીઓને પણ સારવાર આપવાની શરત હતી.
8 આરોપી પૈકી 2 હજુ ફરાર
આ કેસમાં કુલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઇમબ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 આરોપી હજુ પણ ભૂગર્ભમાં છે.
PMJAY સુધી તપાસનો રેલો
ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા રવિવારે કેમ્પ યોજવામાં આવતા હતા. ત્યારબાદ સોમવારના દિવસે સર્જરી કરાતી હતી, જેથી PMJAY યોજનામાં સોમવારની ઇમર્જન્સી સૌથી વધારે આવતી હતી. સોમવારે કયા ડોક્ટર દ્વારા ખ્યાતિ હોસ્પિટલની ફાઇલ ક્લીઅર કરવામાં આવતી હતી તે દિશામાં ક્રાઇમબ્રાન્ચની તપાસ ચાલી રહી છે.