અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદના 34મા ત્રિદિવસિય જ્ઞાનસત્રનો મોરારિબાપુની નિશ્રામાં કૈલાસ ગુરુકુળ ખાતે પ્રારંભ થયો હતો. 500થી વધારે ભાષાપ્રેમીઓની હાજરીમાં શરૂ થયેલા જ્ઞાનસત્રનો પ્રારંભ કરાવતાં મોરારિબાપુએ કહ્યું હતું કે, ભાષા અને સાહિત્ય સરળ અને સહજ થાય એ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ગુજરાતભરમાં આખો એક મહિનો ફરવા માટે હું તૈયાર છું. બસ કોઈપણ રીતે ભાષા-સાહિત્યનો પ્રચાર-પ્રસાર અને પ્રયોગો અટકવા ન જોઈએ.
સાહિત્ય પરિષદના મહામંત્રીએ ભૂમિકા બાંધતાં કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં પરિષદ સાથે 400થી વધારે અગ્રણી સાહિત્યકારો જોડાયા એ વાતનો અમને આનંદ છે. પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ કહ્યું હતું કે, અમારી દાનત કામ કરવાની છે, માટે કોઈ પ્રવૃત્તિ અટકતી નથી. બીજા દિવસે વિવિધ બેઠકોમાં સાહિત્યનાં વિવિધ પાસાંની ચર્ચા થઈ હતી. પરિષદની ધીમી
પડેલી પ્રકાશન પ્રવૃત્તિને વેગ મળ્યો છે એ વાતની સાક્ષી પૂરતાં બે પુસ્તકોનું વિમોચન પણ થયું હતું.