ગાંધીનગરઃ વર્ષ 2025ની શરૂઆતે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરોની સંખ્યા આઠ વધીને 17એ પહોંચી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રાજ્ય સરકારે આણંદ, મોરબી, નડીયાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, વાપી, નવસારી અને મહેસાણા એમ કુલ 9 નગરપાલિકાને વિસ્તારીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદિલ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના અમલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી ડિસેમ્બર, સુશાસન દિવસે જાહેરાત કરી શકે છે તેમ ટોચના વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.
ગુજરાતમાં 79 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયત અને 6 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ ગતિવિધી વચ્ચે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર તેમજ જૂનાગઢ એમ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ નવનો ઉમેરો થશે. રાજ્યમાં મહાનગરો વધતા નવ IAS ઓફિસરોને મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્તિ મળશે.