બ્રિટનમાં ગુજરાતીઓ પ્રત્યે લાગણીનો ધોધ એટલે NCGO

બાદલ લખલાણી Wednesday 11th December 2024 05:11 EST
 
 

જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞના ભેખધારી ગુજરાત સમાચારના તંત્રી-પ્રકાશક સી.બી. પટેલ તેમના નેતૃત્વ હેઠળ દર ગુરુવારે ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ અંતર્ગત વિવિધ વિષયોને લઈને જ્ઞાનનો ઉજાશ પાથરે છે. 5 ડિસેમ્બરે પણ સી.બી. પટેલના નેતૃત્વમાં એક ખાસ ઝૂમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે એનસીજીઓ એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન અંગે ચર્ચા કરી. આ ચર્ચામાં એનસીજીઓના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાને આમંત્રણ આપતાં સી.બી. પટેલે એનસીજીઓની પ્રવૃત્તિઓ અંગે જણાવવા કહ્યું.
વિમલજીભાઈ ઓડેદરા: એનસીજીઓ 1985થી કાર્યરત્ છે, જેનો સી.બી. પટેલ પણ શરૂઆતથી એક ભાગ છે. એનસીજીઓ વિવિધ ગુજરાતી સંસ્થાઓ માટે કાર્ય કરતી રહી છે, જે હજુપણ અવિરત છે. અમારા એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરમાં જિતુભાઈ પટેલ, ક્રિષ્નાબહેન, ચંદ્રકાંત મહેતા, રાજભાઈ ગઢવીનો સમાવેશ થાય છે. આ સિવાય અમારા સ્પીકર ડો. અમૃતભાઈ, ગુજરાતી ભાષાના રક્ષક ગણાતા જયંતભાઈ તન્ના, સંગત સેન્ટર દ્વારા સેવા આપતા અને એનસીજીઓમાં એડવાઇઝરી કાઉન્સિલ મેમ્બર કાંતિભાઈ નાગડા સેવા આપે છે.
એનસીજીઓ દ્વારા અમે મોબાઇલ ફોન અને લર્નિંગ અંગે સ્મિતાબહેન શાહને, નવનાત સેન્ટરને સ્પીડ ડેટિંગ અંગે સહયોગ આપવામાં આવે છે. આ સ્પીડ ડેટિંગના માધ્યમથી ગુજરાતી યુવક-યુવતીઓ માટે સુંદર મેટ્રોમોનિયલ પ્લેટફોર્મ ઊભું થયું છે, જે આપણી સંસ્કૃતિને આગળ વધારવા માટે ખૂબ જરૂરી છે. આ સિવાય વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ અમે સપોર્ટ આપીએ છીએ. ઘણા ગુજરાતીઓને ઇમિગ્રેશનમાં તકલીફ પડતી હોય છે, ભૂતકાળમાં અમે ઇમિગ્રેશન બાબતે જરૂર પડતાં જે-તે વ્યક્તિ માટે એમ્બેસીમાં જઈ રિપ્રેઝેન્ટેશન કર્યું છે. કોઈપણ ગુજરાતીને ધાર્મિક બાબતે પણ બનતી મદદ કરવામાં આવે છે. આ વર્ષે એનસીજીઓ ગુજરાત ડે સેલિબ્રેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આવતા વર્ષે યુકેનાં જુદાંજુદાં શહેરોમાં પ્રવૃત્તિ કરવાનું આયોજન છે. નવનાત સેન્ટરના નીતિનભાઈ મહેતા દ્વારા કરવામાં આવતી ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને પણ એનસીજીઓ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે.
વિમલજીભાઈ ઓડેદરા દ્વારા એનસીજીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જાણ્યા બાદ સી.બી. પટેલે કાંતિભાઈ નાગડાને આમંત્રણ આપતાં એનસીજીઓ અંગે જણાવવા આગ્રહ કર્યો.
કાંતિભાઈ નાગડાઃ સંસ્થાઓ ઘણી મુશ્કેલીથી આગળ વધે છે. એનસીજીઓને કોઈપણ જાતની ગ્રાન્ટ પ્રાપ્ત થતી નથી. અહીં કોઈ ઓફિસર નથી, પોતપોતાનો સમય કાઢી તમામ સેવા આપે છે. એનસીજીઓ એવું કામ કરે છે જેની જાહેરમાં વાહવાહ ન થઈ શકે. હાલમાં ઇન્ડિયાથી વર્ક વિઝા પર ભારતથી આશરે 30 હજાર લોકો આવ્યા, જેમાં 90થી 95 ટકાની હાલત ખૂબ કફોડી છે. ભારતથી રૂ. 20થી 25 લાખ એજન્ટને આપી યુકે આવે છે. અહીં આવતાં તેમની પાસે કામ ન હોવાથી પેટ ભરવા માટે નાનાં-નાનાં કામ કરે છે. ઉપરાંત અહીંના એજન્ટને વર્ક પરમિટ મેળવવા માટે 15થી 25 હજાર પાઉન્ડ આપે છે. જો કે વર્ક પરમિટ બાદ પણ કામ ન હોવાની સમસ્યા પણ સર્જાય છે. આ પ્રશ્નો એનસીજીઓ દ્વારા ઉપાડવામાં આવ્યાં છે, જેની ચર્ચા જાહેરમાં શક્ય નથી. જો કે સરકાર સાથે વાટાઘાટ કરી રહ્યા છે કે આ લોકોનો કોઈ વાંક નથી અને તમે તેમને વર્ક પરમિટ પણ આપી છે, તો એ લોકો શું કરે? આ કાર્ય એનસીજીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાતથી આવેલાં આપણાં ભાઈ-બહેનોની મદદ કરવાનો પ્રયાસ કરે છે. આ અંગે એનસીજીઓ માત્ર વાટાઘાટ જ નથી કરતા, પરંતુ જરૂર પડતાં આંખ લાલ પણ કરે છે.
એનસીજીઓનાં કાર્યો અંગે પોતાનું મંતવ્ય જણાવ્યા બાદ કાંતિભાઈ નાગડાએ જયંતભાઈ તન્નાને આમંત્રણ આપતાં ગુજરાતી ભાષા કેવી રીતે આગળ વધી રહી છ તે અંગે જણાવવા આગ્રહ કર્યો.
જયંતભાઈ તન્નાઃ હું ગુજરાતી શિક્ષણ સંઘનો અધ્યક્ષ છું. બ્રિટનમાં સ્થાયી ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે, જે અન્ય ભારતીય સમુદાય કરતાં વધુ પણ હોઈ શકે છે. જો કે આમ છતાં ગુજરાતીઓની ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઘટી રહ્યો છે. બ્રિટનમાં અન્ય ભાષાઓના સમુદાયની તુલનામાં ગુજરાતીઓમાં તેમની ભાષા પ્રત્યેની સૂઝ અને સમજણનો અભાવ જણાય છે. અહીંના અનેક માતા-પિતા દલીલ કરે છે કે તેમને અથવા તેમનાં બાળકોને ગુજરાતી શીખવાની કોઈ જરૂર નથી, કારણ કે બાળકો તેમની મુખ્ય પ્રવાહની શાળામાં પાછળ પડી જાય છે, જ્યાં તમામ વિષયો અંગ્રેજીમાં ભણાવવામાં આવે છે. અન્ય અનેક પ્રવૃત્તિમાં વ્યસ્ત બાળકો માટે ગુજરાતી શીખવાનો સમય પણ નથી. ગુજરાતી શીખવામાં નાણાકીય કે અન્ય કોઈ લાભ પણ નથી. આપણા મોટાભાગના ધર્મગ્રંથોના અનુવાદ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે જ.
મેઘાણીની રચના ‘કસુંબીનો રંગ’ ગીતની વાત કરીએ તો તેમાં જનની, તેના ધાવણ પ્રત્યેના પ્રેમની અને માતૃત્વની લાગણી-ભાવનાઓ ઊભરાઈને બહાર આવે છે. આ જ ગીતને અંગ્રેજીમાં ઇન્ટરનેટ પરનો અનુવાદ આ પ્રેમ, લાગણી અને ભાવનાઓને મારી નાખે છે. ગુજરાતી ભાષામાં જે અભિવ્યક્તિ થઈ શકે છે, તે અંગ્રેજી ભાષામાં શક્ય જ નથી.
જો આપણી પાસે આપણી ભાષા પ્રત્યેનું ગૌરવ, આદર અને ઓળખ હશે તો જ આપણે આપણું સ્વાભિમાન અખંડ રાખી શકીશું. આપણી ગુજરાતી ઓળખને સાચવવા આપણે ગુજરાતી શીખવું પડશે. આનો અર્થ એ નથી કે અંગ્રેજી ન શીખવું. પરંતુ અંગ્રેજીની સાથે આપણે આપણી માતૃભાષા શીખવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.
જયેશભાઈએ પોતાના અનુભવ અને ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ જણાવ્યા બાદ ગુજરાતી શિક્ષણસંઘનાં માનદ્ મંત્રી વિજયાબહેન ભંડેરીને શિક્ષણસંઘનાં કાર્યો પર પ્રકાશ પાથરવા આગ્રહ કરાયો.
વિજયાબહેન ભંડેરીઃ 2015થી CGS સંસ્થા સતત કાર્યરત્ છે. નવા પરીક્ષા બોર્ડ તરફથી મળતી GCSE અને તે લેવલની પરીક્ષાઓ સંબંધી જરૂરી માહિતી અને અન્ય ગુજરાતી શિક્ષણને લગતી માહિતી ઈ-મેઇલ દ્વારા ગુજરાતી શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોને મોકલવામાં આવતી રહે છે. CGSની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઘણીબધી માહિતી ઉપલબ્ધ છે. CGSનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી શાળાઓના આગેવાનો, મુખ્ય શિક્ષકો અને ભાષા ભાષા શીખવતા શિક્ષકોના વ્યાવસાયિક, શૈક્ષણિક અને વ્યક્તિગત ક્ષમતાઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા, નેતૃત્વ અને દિશા પ્રદાન કરવાનો છે.
CGSમાં વિદ્યાર્થીઓની આ ઘટતી સંખ્યાને જોતાં 2017ની જેમ 2025માં પણ ગુજરાતી ભાષા પ્રત્યેની રુચિ વધારવા અને પરીક્ષાર્થીઓની સંખ્યા વધારવા પરીક્ષાની અંતિમ ફીના 50 ટકા દરેક પરીક્ષાર્થી દીઠ CGS દ્વારા ચૂકવવામાં આવશે.
વિજયાબહેને CGS અંગે જાણકારી આપ્યા બાદ જયંતભાઈ તન્નાએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, અમને ડોનેશનની ખૂબ જરૂર છે, શિક્ષકોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
વિજયાબહેન ભંડેરી અને જયેશભાઈ તન્ના દ્વારા CGS અંગે જાણ્યા બાદ કાંતિભાઈ નાગડાએ ડો. અમૃતભાઈ શાહને આમંત્રિત કરી પૂછયું કે, ‘લોકોએ પોતાની તબિયત કેવી રીતે સારી રાખવી?’
ડો. અમૃતભાઈ શાહઃ આપણે સૌ વર્ષોથી યુકેમાં સ્થાયી થયા છીએ, જો કે કોલ્ડ વેધરથી હજુપણ ટેવાયા નથી. આ કોલ્ડ વેધરથી બચવાના હું 7 સ્ટેપ કહીશ. પ્રથમ હવામાનની આગાહી રોજ સાંભળવી જોઈએ. બીજા સ્ટેપ પ્રમાણે હવામાન મુજબ જ બહાર નીકળવું. ત્રીજા સ્ટેપ પ્રમાણે આપણે વેધરને અનુરૂપ કપડાં પહેરવાં જોઈએ. ચોથા સ્ટેપ પ્રમાણે પવનમાં તમારે શેલ્ટરની વ્યવસ્થા રાખવી જોઈએ. પાંચમા સ્ટેપ પ્રમાણે વરસાદની સિઝનમાં બને ત્યાં સુધી પલળવાથી બચો. છઠ્ઠા સ્ટેપ પ્રમાણે તમારા શરીરની ઊર્જા વધારવા ચાલવું જોઈએ. સાતમા સ્ટેપ પ્રમાણે તમારે તમારી ઉંમરને જોઈને કાળજી રાખવી જોઈએ.
મોટી ઉંમરના લોકોની 7 જરૂરિયાત છે. જેમાં કુટુંબનો ટેકો, ઘરમાં સલામતી, તબીબી જરૂરિયાતની કાળજી, આરોગ્યની જાળવણી, ગતિશીલતા જાળવવી, પર્સનલ હાઇજીન અને મીલ્સ એક્યુરસીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus