અમદાવાદઃ મસાણી મેલડી માતાના ભુવાજી તરીકે પોતાની ઓળખ આપી લોકોને માયાજાળમાં ફસાવી દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનારા ભુવાજી નવલસિંહ ચાડવાનું સરખેજ પોલીસની કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. નવલસિંહે છેલ્લાં 10 વર્ષમાં માતા, દાદી, કાકા તેમજ જેસલ તોરલની સમાધિના પૂજારી રાજ બાવાજી સહિત 12 લોકોની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
તાંત્રિક વિદ્યામાં મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે ભુવાજીએ સિરિયલ કિલર બની 12 લોકોના બલિ ચઢાવ્યા હતા. જે બાદ સાણંદના વેપારીની હત્યા કરે તે પહેલાં સરખેજ પોલીસે સનાથલ સર્કલ પાસેથી નવલસિંહની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો નોંધી તેના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન નવલસિંહે છેલ્લાં 10 વર્ષમાં માતા સરોજબહેન, દાદી મંગુબહેન તેમજ કાકા સુરાભાઈ સહિત 12 લોકોની હત્યા કરી આ ઘટનાઓ કુદરતી અથવા તો અકસ્માત મોતમાં ખપાવી દીધી હતી.
આ અંગે સરખેજ પીઆઇ આર.કે. ધુળિયાએ જણાવ્યું કે, સવારે 10 વાગ્યે નવલસિંહને લોકઅપમાં જ ઊલટી થઈ હતી, જે બાદ તે ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો. સિવિલ હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ચા, પાણી, કોલ્ડડ્રિક્સમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવતો
આરોપી નવલસિંહ લોકોને સોડિયમ નાઇટ્રેટ આપી તેની હત્યા કરતો હતો. જેમાં 2021માં અસલાલીમાં વિવેક ગોહિલને સોડિયમ નાઈટ્રેટ પીવડાવ્યું હતું. જે બાદ તેઓ બાઈક લઈને નીકળતા અકસ્માત થતાં મૃત્યુ થયું હતું. જે બાદ 2023માં સુરેન્દ્રનગરના દીપેશ પાટડિયા, પત્ની પ્રફુલ્લાબહેન અને દીકરી ઉત્સવી, 2024માં રાજકોટમાં કાદરભાઈ આરબ, પત્ની ફરીદાબહેન અને દીકરા આસિફની, વાંકાનેરમાંથી નગ્મા મુકાસમની હત્યા કરી હતી. આ સિવાય માતા સરોજબહેન, દાદી મંગુબહેન, કાકા સુરાભાઈ, જેસલ તોરલની સમાધિના પૂજારી રાજ બાવાજીની સોડિયમ નાઇટ્રેટથી હત્યા કરી હતી.