નવી દિલ્હીઃ રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી રૂ. 500ના દરની ચલણી નોટનું બંડલ એટલે કે રૂ. 50 હજાર મળતાં ગૃહમાં હોબાળો થયો હતો. ગુરુવારે સંસદની કાર્યવાહી પૂર્ણ થયા પછી ગૃહની તપાસ દરમિયાન સુરક્ષાગાર્ડોને આ બંડલ સીટ નંબર 222 પરથી મળ્યું હતું. કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળતાં ગૃહમાં હંગામો મચ્યો હતો.
રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ધનખડે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસ સાંસદો વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ઝડી વરસી હતી. કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આ ઘટના સામાન્ય નથી તેમ કહ્યું હતું. તેમણે આ ઘટનાને સંસદની ગરિમા પર ઘા સમાન ગણાવી તપાસના આદેશની માગણી કરી હતી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને પિયૂષ ગોયલે પણ ઘટનાની તપાસની માગ કરી હતી.