નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 પર રોકીને ઉત્સાહિત વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ની દીવાલો 6 મહિનામાં જ ઢળવા લાગી છે. તેની શરૂઆત જમ્મુ-કાશ્મીર અને હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન સાથે થઇ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હાર અને શિયાળુ સત્ર દરમિયાન અડચણોએ વિપક્ષી એકતાને વધુ નબળી બનાવી હતી. તૃણમૂલ ચીફ મમતા બેનર્જીએ ગઠબંધનના નેતૃત્વની ઇચ્છા વ્યક્ત કરી તો શનિવારે સપા, આરજેડી તેમજ ઉદ્ધવ સેનાએ તેમનું સમર્થન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના એક જૂથનું માનવું છે કે સૌથી મોટી પાર્ટી અને દેશભરમાં જનાધારથી નેતૃત્વ તેમને મળવું જોઇએ.
શિયાળુ સત્રમાં મુદ્દાઓ પર સહમતિ ન બની
અદાણી મામલે તૃણમૂલે અલગ સ્ટેન્ડ બનાવીને અંતર કેળવ્યું છે. સપા પણ આ મામલે કોંગ્રેસથી અલગ છે. આ બંને પક્ષોના નેતાઓના મતે આ મુદ્દો જનતા સાથે જોડાયેલો નથી. દરમિયાન કોંગ્રેસને સાથ આપવો એ રાજકીય રીતે ફાયદાકારક નહીં નિવડે.
સોનિયાના જ્યોર્જ સોરોસ સાથેના સંબંધો શંકાસ્પદ
અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે કોંગ્રેસ પાર્ટીના સંબંધો મજબૂત અને શંકાસ્પદ રહ્યા છે. ભાજપે ફરી એકવાર આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ભાજપે સોશિયલ મીડિયા પર એક પછી એક પોસ્ટ કરીને સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપે આરોપ લગાવ્યા છે કે, સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા નાણાકીય સહાય કરાતી હોય તેવા સંગઠન સાથે જોડાયેલાં છે, જે ભારતના વિકાસને રોકી રહ્યું છે.