અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો હોઈ અત્યાર સુધી 2516 સંઘનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, ત્યારે યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે તંત્રએ તૈયારીને આખરી ઓપ આપ્યો છે. મેળામાં 5 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તહેનાત રહેશે અને 350 જેટલા કેમેરાથી ગતિવિધિ પર મોનિટરિંગ કરાશે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, વિવિધ વ્યવસ્થા માટે 26 સમિતિ બનાવાઈ છે, જે ભક્તો માટે દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, પ્રસાદ, પગરખાં, સફાઈ, પાણી, ટોઇલેટ સહિતની સુવિધાનું ધ્યાન રાખશે. આ વર્ષે કેટલાંક ખાસ આકર્ષણો અને સુવિધાથી મેળાને યાદગાર બનાવવાનું આયોજન કરાયું છે. માઇભક્તોને કોઈ તકલીફ કે અગવડ ન પડે એવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ઊંઝામાં પ્રથમ વખત ધજામહોત્સવ
તીર્થધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાની જેમ મા ઉમાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી નિમિત્તે ઊંઝાસ્થિત ઉમિયા માતાજીના મંદિરે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન સૌપ્રથમવાર ધજા મહોત્સવ ઊજવાશે. મા ઉમા ધજા મહોત્સવની મુખ્ય 11 ધજાના યજમાન માટે રવિવારે યોજાયેલી ઉછામણીમાં 2 કલાકમાં જ રૂ. 94.41 લાખની બોલી લગાવી માઇભક્તોએ યજમાનપદ સ્વીકાર્યું હતું. સૌથી મોટી રૂ. 18,68,111ની બોલી મુખ્ય શિખર ધજા ઉમાધ્વજ માટે ડભોડા-ગાંધીનગરના નીરવભાઈ જગજીવનભાઈ પટેલ બોલ્યા હતા.