અમદાવાદઃ મોરબીની ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટના મામલે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પીડિત પરિવારો અને ખાસ કરીને વાલી અથવા માતા-પિતા ગુમાવનારાં બાળકોનાં ભવિષ્ય માટે ખાસ ટકોર કરી હતી. હાઇકોર્ટે સંવેદનશીલતા સાથે એ વાત ટાંકી હતી કે અનાથ થયેલાં બાળકોનાં શિક્ષણ સાથે તેમના લગ્નની પણ જવાબદારી ઓરેવા કંપનીએ ઉઠાવવી પડશે. કોઈપણ પિતા માટે તેમની છોકરીઓના લગ્નની જવાબદારી મહત્ત્વની હોય છે. જો આ 8 બાળકીઓના પિતા જીવતા હોત તો તે લગ્નનો તમામ ખર્ચ ઉઠાવત, પરંતુ હવે તમામના શિક્ષણ સાથે સાથે લગ્નનો પણ ખર્ચ કંપનીએ ઉઠાવવો પડશે.
સીબીઆઇ તપાસ થાયઃ પીડિતો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના વકીલ તરફથી આજે સમગ્ર દુર્ઘટના પ્રકરણની તપાસ પોલીસ કે સીટ પાસેથી લઈ સીબીઆઇને તપાસ સોંપવા માગ કરી હતી. પીડિતોએ જણાવ્યું કે, હાલની તપાસમાં કેટલાક છીંડા રખાયાં છે. ખાસ કરીને જવાબદાર અધિકારીઓ સહિતના કસૂરવાર લોકો સામે કોઈ પગલાં લેવાયાં નથી કે કાર્યવાહી થઈ નથી.