ઈન્ડિયા હાઉસ અને રાજનૈતિક કૌશલ્યનો વારસો

- સી.બી. પટેલ Wednesday 11th September 2024 06:44 EDT
 
 

ઓલ્ડવિચમાં ભારત સરકારના તાબા હેઠળ આવેલી ઈન્ડિયા હાઉસની વર્તમાન ઈમારત દીર્ઘકાલીન ઈતિહાસ ધરાવે છે. આસપાસમાં લિંકન્સ ઈન અને ગેઝ ઈન જેવાં લોયર્સ અને બેરિસ્ટર્સ માટે કાનૂની કેન્દ્રો, પ્રતિષ્ઠિત કિંગ્સ કોલેજ લંડન, સર્જનો માટેની પ્રતિષ્ઠિત કોલેજો, રોયલ કોલેજ ઓફ જસ્ટિસ તેમજ નજીકમાં જ સત્તાના કેન્દ્રો પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર, વ્હાઈટહોલ અને ડાઉનિંગ સ્ટ્રીટ જેવી પરંપરાઓ ધરાવતી સંસ્થાઓથી ઘેરાયેલી આ ઈમારત ભારત સરકાર પાસે લાંબા લીઝહોલ્ડ પર છે.
1928માં બ્રિટિશ પાર્લામેન્ટ (હાઉસ ઓફ કોમન્સ)માં વલ્લભભાઈ પટેલ (પાછળથી સરદાર પટેલ તરીકે પ્રસિદ્ધ થયા)ની નેતાગીરી હેઠળ ચલાવાયેલા બારડોલી સત્યાગ્રહ વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યારે હાઉસ ઓફ કોમન્સના એક સભ્યે ટીપ્પણી કરી કે,‘જો સમગ્ર ભારતમાં અસહકારની લડત અપનાવા સાથે બારડોલીકરણ થઈ જશે તો શું થશે?’ બ્રિટિશરો સમજી ગયા હતા કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી યુકે વિશ્વની અગ્રણી તાકાત તરીકે યુએસએની હવે લગભગ સમકક્ષ બન્યું છે. તેમની પાસે ઈનોવેશન-નવતર પહેલની અનોખી યોગ્યતા, યોગ્ય સમયે પોતાને સુધારવાની મજબૂત ક્ષમતા અને સતત સુધારાઓ કરતા રહેવાની ક્ષમતા હતી.
1900માં જ્યારે લેબર પાર્ટીની સ્થાપના થઈ ત્યારે તાજેતરમાં જ યુકેમાં સ્થિર થયેલા ગુજરાતના કચ્છના માંડવીના બેરિસ્ટર શ્યામજી કૃષ્ણ વર્મા તેના ઉદાર સમર્થકોમાં એક હતા. તેમણે તે સમયે 1000 પાઉન્ડનું યોગદાન આપ્યું હતું જેનું મૂલ્ય વર્તમાનમાં આશરે 120 ગણું કહી શકાય. શ્યામજીએ સંસ્થાનવિરોધી ન્યૂઝપેપર ‘ધ ઈન્ડિયન સોસિયોલોજિસ્ટ’ (ઈંગ્લિશ અને ગુજરાતી, દ્વિભાષી પ્રકાશન) પણ શરૂ કર્યું હતું.
શ્યામજી કૃષ્ણ વર્માએ 1905માં નોર્થ લંડનમાં હાઈગેટના 65 ક્રોમવેલ એવન્યુ ખાતે ‘ઈન્ડિયા હાઉસ’ નામના વિદ્યાર્થીનિવાસની સ્થાપના કરી હતી. બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા આ સંસ્થા સ્થપાઈ હતી અને તેની દ્વારા ઈંગ્લેન્ડમાં ઊચ્ચ અભ્યાસ માટે ભારતીય યુવાનોને સ્કોલરશિપ્સ ઓફર કરાતી હતી. આ ઈમારત ઘણી ઝડપથી રાજકીય સક્રિયતાવાદનું કેન્દ્ર બની ગઈ અને ક્રાંતિકારી ભારતીય રાષ્ટ્રવાદના દરિયાપારના સૌથી અગ્રેસર કેન્દ્રોમાં એક બની રહી. સમયાંતરે ત્યાં કાર્યરત રાષ્ટ્રવાદી સંગઠનો કે સંસ્થાઓ માટે અનૌપચારિક ઉલ્લેખ ‘ઈન્ડિયા હાઉસ’ તરીકે જ કરાતો હતો.
શ્યામજી કૃષ્ણ વર્માની વિદાય પછી સંસ્થાની નેતાગીરી કૃષ્ણ વર્મા પાસેથી સ્કોલરશિપ મેળવી 1906માં લંડન આવી પહોંચેલા કાયદાના વિદ્યાર્થી વિનાયક દામોદર સાવરકરના હાથમાં આવી હતી. સાવરકરની નેતાગીરી હેઠળ ઈન્ડિયા હાઉસનું રૂપાંતર બ્રિટનમાં ભારતીય ક્રાંતિકારી આંદોલનના વડામથક તરીકે થયું. સમગ્ર ભારતમાંથી યુવાન પુરુષ અને સ્ત્રીઓ આ ચળવળના સભ્યો હતાં અને મોટા ભાગના સભ્યો બંગાળ, પંજાબ, બોમ્બે અને મહારાષ્ટ્રથી આવેલા હતા. 1909માં મદનલાલ ઢીંગરાના હાથે સર વિલિયમ એચ. કર્ઝનની હત્યા કરાયાના પગલે ઈન્ડિયા હાઉસ તત્કાળ બંધ કરી દેવાયું હતું. (એક સદી પછી તેના વારસાના સન્માનમાં ગુજરાત સરકારે કચ્છના માંડવી ખાતે ક્રાન્તિ તીર્થ નામે લંડનના ઈન્ડિયા હાઉસની લાઈફ સાઈઝ પ્રતિકૃતિનું નિર્માણ કરાવ્યું હતું).
બ્રિટિશ સમજણ સંપૂર્ણપણે સ્પષ્ટ હતી, તેમણે ‘ઈન્ડિયા હાઉસ’ નામ સાથે સંકળાયેલા મહત્ત્વ, પ્રતિષ્ઠા અને લાગણીશીલ સંબંધને ઓળખી લીધા હતા. એ પણ શક્ય છે કે આ ઐતિહાસિક પશ્ચાદભૂને ધ્યાનમાં રાખીને જ ઓલ્ડવિચની ઈમારતને ‘ઈન્ડિયા હાઉસ’ નામ અપાયું હોય. આ જ રીતે ન્યૂકેસલ-અપોન-ટાયનેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી દ્વારા 30 ઓગસ્ટે ઉદ્ઘાટન કરાયેલા નવા ભારતીય કોન્સ્યુલેટને પણ ‘ઈન્ડિયા હાઉસ’ નામ અપાયું છે.
આપણે યાદ રાખવું જોઈએ કે વેસ્ટર્ન યુરોપના લગભગ અડધા કદ સાથેનું ભારત વિશાળ દેશ છે જેના પર બ્રિટિશરોએ કોલોનિઅલ ઓફિસ અને વાઈસરોય ઓફ ઈન્ડિયા મારફત વહીવટ ચલાવ્યો હતો.
જોકે, ઓલ્ડવિચસ્થિત ઈન્ડિયા હાઉસની ભારતના વહીવટમાં કોઈ જ ભૂમિકા ન હતી, આના બદલે તેણે ભારતીય સંસ્થાનવાદી સરકાર અને તેના તમામ પ્રોવિન્સ માટે ખરીદીના કેન્દ્ર તરીકે કામગીરી બજાવી હતી. હું જ્યારે 1966માં યુકે આવ્યો ત્યારે મને માહિતી અપાઈ હતી કે ઈન્ડિયા હાઉસ માત્ર આ ઈમારત પૂરતું સીમિત નથી, વધારાના અન્ય પ્રીમાઈસીસ પણ છે જ્યાં સ્ટાફ કામ કરતો હતો. તે સમયે આશરે 700 લોકો ત્યાં નોકરી પર હતા અને ભારત માટે તમામ આયાતો, પેપર ક્લીપ્સથી માંડી રેલવે એન્જિન્સ સુધીનો સપ્લાય બ્રિટન દ્વારા કરાતો હતો. આનાથી બ્રિટિશ આર્થિક વર્ચસ્વમાં વધારો થતો હતો. ભારતને 1947માં આઝાદી મળ્યા પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી અને આઝાદી પછી ભારતના પ્રથમ હાઈ કમિશનરનું પદ વી.કે. કૃષ્ણ મેનને સંભાળ્યું હતું.
લંડન ખાતે જે ભારતીય હાઈ કમિશનરો નિયુક્ત કરાયા તેમાંથી ઘણા ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના મહારથીઓ, તેજસ્વી ધારાશાસ્ત્રીઓ તેમજ નેહરુ અને ગાંધી પરિવારો સાથે ગાઢ સંબંધ ધરાવતા વ્યક્તિઓ હતા.
મને હાઈ કમિશનર એમ.સી. ચાગલાને જાણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જેઓ ઈસ્માઈલી કોમ્યુનિટીના તેજસ્વી લોયર હતા અને પાછળથી ભારતના શિક્ષણમંત્રી બન્યા હતા.
આઝાદી પહેલાં, સર ઝફરુલ્લાહ ખાન જેઓ પાછળથી પાકિસ્તાનના વિદેશમંત્રી બન્યા હતા તેમજ યુએન જનરલ એસેમ્બલી અને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી, યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તે સમયે વી.કે. કૃષ્ણ મેનને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એ સમયગાળામાં જ્યારે પાશ્ચાત્ય દેશો પાકિસ્તાનની પડખે રહેતા હતા ત્યારે માત્ર રશિયન વીટોએ જ ભારતને સુરક્ષિત રાખવામાં મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝફરુલ્લાહ ખાન અહેમદિયા મુસ્લિમ હતા, જે સમૂહને પાકિસ્તાન સરકાર દ્વારા મુસ્લિમ તરીકે માન્ય રખાયો ન હતો. એ જ રીતે નોંધપાત્ર બાબત એ છે કે પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણા ઈસ્માઈલી શીઆ મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા પરંતુ, પાછળથી તેમણે શીઆ ઈસ્નાશેહરીમાં ધર્માન્તર કર્યું હતું. (ક્રમશઃ)


comments powered by Disqus