અમદાવાદ: ઓડિશાના ગંજામ જિલ્લાથી અમદાવાદમાં મોકલવામાં આવેલો 200 કિલો ગાંજો મળી આવવાની ઘટનાને પગલે અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓના સ્થાનિક ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે ઓરિસ્સાનો ગંજામ જિલ્લો ગાંજાનો હબ ગણાય છે. જેમાં ટ્રેન દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં શહેરોમાં નિયમિત ગાંજો સપ્લાય થતો હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતમાં એમડી ડ્રગ્સની સાથે ગાંજા જેવા ડ્ર્ગ્સની ડિમાન્ડ વધારે રહે છે. જો કે એમડી ડ્રગ્સની માફક ગાંજાનો જથ્થો સારી ગુણવતાનો મળી રહે તે માટે ડ્રગ્સમાફિયાઓ માટે ઓડિશાનો ગંજામ જિલ્લો સૌથી સલામત અને મહત્ત્વનો છે.
છેલ્લાં ઘણાં વર્ષોમાં ગંજામથી તેમજ ત્યાંથી સપ્લાય થતો કરોડો રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત, ત્યાંથી માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં ટ્રેન દ્વારા નિયમિત રીતે ગાંજાનો જથ્થો મોકલવામાં આવે છે. ખાસ કરીને સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ટ્રેનથી અનેક પેડલર લાખો રૂપિયાનો ગાંજો સપ્લાય કરે છે. જેમાં અનેક કિસ્સામાં ગાંજો બિનવારસી પણ મળી આવે છે. રેલવે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઓડિશાના પુરીથી ગુજરાત આવતી ટ્રેનમાં ગાંજો પકડાયાના કેસની તપાસમાં ગંજામ જિલ્લાના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બહાર આવી છે.