અમદાવાદઃ કચ્છના રણોત્સવને લઈ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પાર્કિંગ, પ્રવાસીઓને ઇલેક્ટ્રિક-ડીઝલ બસમાં લાવવા-લઈ જવા અને ટેન્ટ સિટી સહિતની આનુષાંગિક સેવા સંબંધી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. જો કે આ ટેન્ડર પક્ષપાત કરી ગેરકાયદે અને ટેન્ડરની શરતોનો ભંગ કરી મેસર્સ પ્રવેગ લિ.ને આપી દેવાયાં હોઈ સમગ્ર ટેન્ડર પ્રક્રિયાને પડકારવામાં આવી છે. અપાયેલા ટેન્ડર રદબાતલ ઠરાવવા મેસર્સ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા હાઇકોર્ટમાં કરેલી રિટ અરજીની સુનાવણી બાદ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા મેસર્સ પ્રવેગ લિ.ને અપાયેલું ટેન્ડર રદબાતલ ઠરાવ્યું હતું. હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, એવી તો શું મજબૂરી હતી કે નિયમો- શરતોને બાજુએ રાખીને ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર આપી દેવાયું અને ખુદ ટેન્ડરની શરતો કે નિયમોની પરવાહ ના કરાઈ. હાઇકોર્ટે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના નિર્ણયને અયોગ્ય અને ગેરવાજબી ગણાવી તેને રદબાતલ ઠરાવ્યો હતો અને નલવારથી પ્રક્રિયા હાથ ધરવા હુકમ કર્યો હતો.
ગુજરાત સરકાર તેમજ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દરવર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવ યોજાતો હોય છે, જેમાં દરવર્ષે હજારો લોકો સફેદ રણની મુલાકાત લેતા હોય છે. આ વર્ષે પણ 1 નવેમ્બરથી રણોત્સવ શરૂ થવાનો છે અને છેક ફેબુઆરી મહિના સુધી ચાલવાનો છે, ત્યારે રણોત્સવને લઈ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પાર્કિંગ, પ્રવાસીઓને ઇલેક્ટ્રિક- ડીઝલ બસમાં લાવવા-લઈ જવા અને ટેન્ટ સિટી સહિતનાં ટેન્ડર બહાર પડાયાં હતાંં. જો કે આ ટેન્ડર પક્ષપાત કરી શરતોનો ભંગ કરી મેસર્સ પ્રવેગ લિ.ને આપી દેવાયું હોઈ ટેન્ડર પ્રક્રિયાને પડકારી અપાયેલું ટેન્ડર રદબાતલ ઠરાવવા મેસર્સ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી કરાઈ હતી.