ભુજઃ ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકવા લાગી છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં 12 જેટલા લોકોનાં શંકાસ્પદ મોત થયા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્યારે સોમવારે વધુ 2 લોકોનાં શંકાસ્પદ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એટલે છેલ્લા 6 દિવસમાં કુલ 16 લોકોનાં મોત થયાં હોવાનું જણાયું છે. જે સ્થળો પર શંકાસ્પદ મોત થયાં છે, ત્યાં રાજ્યના અલગ-અલગ શહેરમાંથી નિષ્ણાત તબીબોની ટીમ મોકલાઈ છે. સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરવા આદેશ કરાયો છે.
ધ્યાન દોરવા છતાં સરકારની ઉદાસીનતાઃ શક્તિસિંહ
લખપતમાં 16 વ્યક્તિનાં ગણતરીના દિવસોમાં મૃત્યુ થયાં છે. રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મેં પહેલા જ સરકારનું ધ્યાન દોર્યું હતું, જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી. આ સમયે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી હતી અને બે લોકોનાં મોત થઈ ચૂક્યાં હતાં. જો કે સરકારે આ મામલાને ગંભીરતાથી ન લેતાં આટલાં મોત થયાં છે.