રાજકોટઃ ગણપતિ તેમજ તહેવારોના ડેકોરેશનથી લઈને રમકડાં સુધીની અનેક ચાઇનીઝ વસ્તુઓ ભારતમાં ઘૂસી રહી છે. હવે ચાઇનીઝ લસણ પણ ગુજરાતના યાર્ડ સુધી પહોંચી ગયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 7 સપ્ટેમ્બરે પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઘૂસતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ આ ઘટના મામલે દેશભરના વેપારીઓએ મંગળવારે લસણનું કામકાજ બંધ રાખ્યો હતો. ચાઇનીઝ લસણ મામલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ચીનથી વાયા અફઘાનિસ્તાન થઈ ભારતમાં લસણ ઘુસાડવામાં આવી રહ્યું છે. આ લસણ વાઇરસયુક્ત હોઈ ખાવાલાયક નથી. સસ્તી કિંમતે ચીનમાંથી લસણ ખરીદ કરી મોંઘા ભાવે ભારતમાં વેચી નાનામાં નાના માણસ સુધી પહોંચાડવા માટેનું આ આખું ષડયંત્ર છે.