અમદાવાદઃ જૈન સમાજમાં સાધુ-સાધ્વીજી પર હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સાધ્વીજીઓની રક્ષા માટે અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ મહાસંઘ દ્વારા પેપર સ્પ્રે (મરચાંનો સ્પ્રે) તૈયાર કરાયો છે. દેશભરનાં 500 ગુરુભગવંતોના ગ્રૂપમાં 7 હજાર સાધ્વીજીની રક્ષા માટે આ સ્પ્રે પહોંચાડાશે. ૫.પૂ. અભયસેન સૂરીશ્વરજી મ.સા.ના જણાવ્યા અનુસાર ભાભર અને ભરૂચમાં સાધ્વીજી પર જે હુમલા થયા હતા તે સંદર્ભે આગામી બે મહિનામાં દેશભરનાં તમામ જૈન-સાધ્વીજી- ગુરુભગવંતોને આ સ્પ્રે પહોંચાડાશે. આ કાર્ય માટે અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ મહાસંઘ દ્વારા 20થી વધુ ટીમ તૈયાર કરાઈ છે. સાથેસાથે 800થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ આ કાર્યમાં ભાગ લેશે. સાધ્વીજીઓ જ્યારે ગોચરી લેવા જતાં હોય છે, ત્યારે એકલાં જ હોય છે. આવા સમયે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તેઓને સ્પ્રે આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર સ્પ્રે આપવાનું મુખ્ય કારણ એ છે કે જૈન ધર્મમાં હિંસા કરવી યોગ્ય નથી. કોઈપણ સાધુ-સાધ્વીજીઓ ચપ્પુ કે રિવોલ્વર રાખી શકતાં નથી, જેથી અનિવાર્ય સ્થિતિ હોય ત્યારે સ્પ્રે છાંટીને સ્વબચાવ કરી શકે.
ભાભરની ઘટના બાદ 500 પેપર સ્પ્રે તૈયાર કરાયાં
અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ મહાસંધના અગ્રણીના જણાવ્યા અનુસાર ભાભરની ઘટનાને લઈને તમામ સાધ્વીજીઓની સ્વરક્ષા માટે શરૂઆતમાં 500 જેટલાં પેપર સ્પ્રે તાત્કાલિક ધોરણે તૈયાર કરીને પહોંચાડાયાં છે.
બે હજારથી વધુ સાધ્વીજી-ભગવંતોને સ્વરક્ષાની તાલીમ
પર્યુષણ પર્વ બાદ એકસાથે 2 હજારથી વધુ સાધ્વીજી-ગુરુભગવંતોને કરાટેની ટ્રેનિંગ પણ અપાશે. અગાઉ સુરત ખાતે અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ મહાસંઘ દ્વારા 50થી વધુ સાધ્વીજી- ગુરુભગવંતોને કરાટેની ટ્રેનિંગ અપાઈ હતી. આગામી બે મહિનામાં મોટાભાગનાં સાધ્વીજીઓને આ પ્રકારની સ્વરક્ષા ટ્રેનિંગ અપાશે.