નવી દિલ્હીઃ કટ્ટરવાદી ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈકે પ્રસ્તાવિત વકફ ખરડાનો વિરોધ કર્યો છે. આટલેથી જ ન અટકતાં ભાગેડુ ઈસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે, તમારે લોકોએ એકજૂથ થઈ વિરોધ કરવો પડશે. વર્તમાન ભાજપ અને તેની જોડાણવાળી સરકાર છેલ્લાં દસ વર્ષ જેટલી તાકાતવર નથી. તેથી મજબૂતીથી વિરોધ કરશો તો તે પારોઠનાં પગલાં ભરશે.
ઝાકિર નાઇકે વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે, ભારતમાં 21 કરોડથી વધુ મુસલમાન છે. હવે તેમાંથી અઢી ટકા એટલે કે 50 લાખથી પણ વધુ લોકો વિરોધ કરશે તો આ બિલને રોકી શકાય છે. ઝાકિર નાઇકે એક લિન્ક પણ જારી કરી અને મુસલમાનોને અપીલ કરી જણાવ્યું કે, તમે લોકો તેની સામે મતદાન કરો. ઝાકિર નાઈકે વકફની સંપત્તિને ફક્ત મુસલમાનોની સંપત્તિ બતાવતાં જણાવ્યું હતું કે, ભારતમાં જમીનના કેસમાં વકફ બોર્ડ ત્રીજા નંબરે છે. આ કોઈ જાહેર સંપત્તિ નથી. આ હું ભારતના બિનમુસ્લિમોને બતાવવા ઇચ્છું છું. તેના હેઠળ જે જમીન આવે છે, તેને મુસલમાનોએ ઇતિહાસમાં દાન કરી છે. તેમાં કોઈ ગેરમુસ્લિમ દખલગીરી કરી ન શકે અને ભારતનું બંધારણ તેની સુરક્ષા પૂરી પાડે છે. આ મુસ્લિમ વિરોધી સરકાર વકફ બિલ દ્વારા તેને કચડવા માગે છે.