ઇસ્લામાબાદઃ ભારતમાં આતંકવાદ ફેલાવવાના અને કાશ્મીર સહિતના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર જુઠ્ઠું બોલવા પંકાયેલા પાકિસ્તાને પહેલીવાર કારગિલ યુદ્ધમાં પોતાની સક્રિય ભૂમિકા હોવાનું કબૂલ્યું છે.
પાકિસ્તાનના સંરક્ષણ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ અસિમ મુનીરે જણાવ્યું કે, 1999માં ભારત વિરુદ્ધ લડાયેલા કારગિલ યુદ્ધમાં દેશના અનેક સૈનિકો માર્યા ગયા હતા. મુનીરે જાહેર મંચથી કરેલી કબૂલાતથી પાકિસ્તાનના અત્યાર સુધીના શાસકો અને સેનાધ્યક્ષોના કારગિલ અંગેના જુઠ્ઠાણાંની પોલ ખૂલી ગઈ છે.
ભારત સાથેના યુદ્ધોમાં માર્યા ગયેલા સેના જવાનોના સન્માનના કાર્યક્રમને સંબોધતા મુનીરે જણાવ્યું કે, પાકિસ્તાનનો સમુદાય બહાદુરોનો સમુદાય છે, જે સ્વતંત્રતાનું મહત્વ જાણે છે અને તેના માટે તે બલિદાન આપવા પણ તૈયાર રહે છે. 1948, 1965, 1971 કે પછી 1999નું કારગિલ યુદ્ધ હોય, જવાનોએ દેશ અને ઈસ્લામ માટે તેમના જીવનું બલિદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અત્યાર સુધી કારગિલ યુદ્ધમાં તેની સેના સામેલ હોવાનું નકારતું આવ્યું છે. પાકિસ્તાને 25 વર્ષ સુધી દુનિયા સમક્ષ એવું જુઠ્ઠાણું ચલાવે રાખ્યું હતું કે, કારગિલ યુદ્ધ માટે કાશ્મીરના સ્વતંત્રતા સેનાનીઓ અથવા મુજાહિદ્દીન જવાબદાર હતા. જો કે ભારત કાયમથી આ યુદ્ધ માટે પાકિસ્તાનને જ જવાબદાર ગણાવતું આવ્યું છે.