ઢાકા: બાંગ્લાદેશમાં તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધના આંદોલનમાં સેંકડો હિન્દુઓની હત્યા થયા પછી હવે ફરી દેશમાં હિન્દુઓની કત્લેઆમની આશંકા સેવાઈ રહી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ભારત ભાગી આવ્યા બાદ બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનું પ્રભુત્વ વધ્યું છે. આવા સમયે આગામી મહિને દુર્ગાપૂજાનો ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે કટ્ટરવાદીઓ હિન્દુ તહેવારમાં પૂજાનાં સ્થળો અને હિન્દુઓને નિશાન બનાવે તેવો ડર છે. આથી વચગાળાની મોહંમદ યુનુસ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે અને કોમી હિંસા રોકવા આદેશ આપ્યા છે.
મોહંમદ યુનુસે ઉપદ્રવીઓને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, દુર્ગાપૂજા દરમિયાન સાંપ્રદાયિક સદભાવ બગાડનારા અને અશાંતિ ફેલાવનારાઓને છોડાશે નહીં. 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરના દુર્ગાપૂજા કાર્યક્રમ દરમિયાન સરકારે હિન્દુ મંદિરોમાં મદરેસાના વિદ્યાર્થીઓની તહેનાતીનો પણ આદેશ આપ્યો છે.
ધાર્મિક બાબતોના સલાહકાર ડો. એએફએમ ખાલિદ હુસૈને હિન્દુ સમાજના લોકોને પૂરા ઉત્સાહ અને ઉમંગથી તેમના તહેવારો ઊજવવા હાકલ કરી કહ્યું હતું કે, હિન્દુ મંદિરોને નુકસાન નહીં થવા દેવાય. તમને મંદિરો પર હુમલાનો ભય હોય તો ખાતરી રાખો કોઈ ગુનેગારોને નહીં છોડાય.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલામાં અતિશયોક્તિઃ મોહંમદ યુનુસ
મોહંમદ યુનુસે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હિંસક હુમલા પરત્વે ભારત દ્વારા વ્યક્ત થયેલી ચિંતાને પડકારતાં કહ્યું છે કે હિંદુ લઘુમતી પર થયેલા હુમલામાં અતિશયોક્તિ થઈં છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થયેલા હુમલા કોમી નહીં પરંતુ રાજકીય વધુ હતા. આ હુમલા રાજકીય કારણોસર થયા હતા.