સમ્રાટ ચંદ્રગુપ્તના સમયકાળના અખંડ ભારત કે આજના ભારતીય ઉપખંડની આજે માઠી બેઠી છે. સમયાંતરે વિવિધ વિદેશી શક્તિઓના આક્રમણે સમ્રાટ ચંદ્રગુપ્તના ભારત વર્ષના ટુકડે ટુકડા કરી નાખ્યાં અને આજે આઠ જેટલા ટુકડામાં વિભાજિત ભારતીય ઉપખંડમાં ફક્ત ભારત સિવાય અન્ય કોઇ ટુકડો કાઠું કાઢી શક્યો નથી. મ્યાનમાર, શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન, માલદિવ્સ જેવા ભારતીય ઉપખંડના દેશો 21મી સદીમાં ભારે અંધાધૂંધીનો સામનો કરી રહ્યાં છે. 1947માં ધર્મના આધારે ભારતથી વિભાજિત થઇ જન્મેલા પાકિસ્તાનમાં લોકશાહીએ ક્યારેય રાહતનો શ્વાસ લીધો નથી. સમયાંતરે આવેલા સરમુખત્યારો અને ભ્રષ્ટ રાજકીય નેતાઓએ આ દેશને સતત ગર્તામાં જ ધકેલ્યો છે. પુરાતનકાળમાં સમૃદ્ધ એવા ગાંધાર તરીકે જાણીતા અફઘાનિસ્તાનમાં ઉદારમતવાદી રાજાશાહીની વિદાય બાદ કટ્ટરવાદી તાલિબાનોએ દેશનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. 19મી સદીમાં અફઘાનિસ્તાનમાં આધુનિક જીવનશૈલી જીવતી મહિલાઓ આજે 21મી સદીમાં જાનવર કરતાં બદતર જીવન જીવવા મજબૂર બની છે. એક સમયે હિન્દુ રાષ્ટ્ર એવા નેપાળમાં પણ સબ સલામત નથી. અહીં કહેવાતી લોકશાહી અમલમાં છે. ક્યારે કઇ સરકારનું નામુ નખાઇ જશે તેનો અંદાજ પ્રખર ભવિષ્યવક્તા પણ આપી શકે તેમ નથી. એક સમયે ભારતનો હિસ્સો રહેલો મ્યાનમાર (અગાઉનો બર્મા કે બ્રહ્મદેશ) આજે લશ્કરી શાસન હેઠળ કચડાઇ રહ્યો છે. આ દેશમાં લોકશાહી ફરી ક્યારે પાછી ફરશે તે કોઇ કહી શકે તેમ નથી. ભારતના વાયવ્ય ખૂણા પર સ્થિત પાડોશી ભૂતાનની સ્થિતિ એકંદરે સારી અને સ્થિર કહી શકાય પરંતુ ત્યાં પણ લોકશાહી રાજાશાહીના ઇશારે શ્વાસ લઇ રહી છે. આ દેશની લશ્કરી અને આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી ચીન જેવા સામ્રાજ્યવાદી દેશનો ભય હંમેશથી તેના પર તોળાતો રહ્યો છે. ભારતની દક્ષિણે આવેલો ટાપુ દેશ શ્રીલંકા લાંબાસમય સુધી તમિળ અને સિંહાલી ગૃહયુદ્ધમાં સપડાયેલો રહ્યો. ગૃહયુદ્ધની સમાપ્તિ બાદ એવી આશા હતી કે શ્રીલંકા પ્રગતિની દિશામાં આગળ વધશે પરંતુ ત્યાં પણ ભ્રષ્ટ રાજનેતાઓએ અર્થતંત્રનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. આજે આ દેશને ભારત, ચીન અને વર્લ્ડબેન્કની ભીખ પર જીવવું પડી રહ્યું છે. થોડે દૂર આવેલા માલદિવ્સમાં મવાળવાદી અને કટ્ટરવાદીઓ વચ્ચે લોકશાહી પીસાઇ રહી છે. અહીંના મવાળવાદીઓ સત્તામાં હતા ત્યાં સુધી ભારત સાથેના સંબંધો સારા રહ્યાં પરંતુ કટ્ટરવાદી પાર્ટીની સરકાર રચાયા બાદ અપનાવાયેલા ભારત વિરોધી વલણે આ દેશની આવકના મુખ્ય સ્ત્રોત એવા પર્યટન ઉદ્યોગને બરબાદ કરી નાખ્યો કારણ કે તે મુખ્યત્વે ભારતીય પર્યટકો પર આધારિત હતો. આમ ભારતની આસપાસના એકપણ દેશના ઠેકાણા રહ્યાં નથી તેમ કહી શકાય. બ્રિટિશ ગુલામીમાંથી આઝાદી મેળવ્યા બાદ વિકાસની વાત કરીએ તો ભારત જ એક એવો દેશ છે જેણે સર્વાંગી વિકાસ સાધવામાં સફળતા હાંસલ કરી છે. છેલ્લા 78 વર્ષમાં ભારતીય લોકશાહી મજબૂત બનીને ઊભરી આવી છે અને આજે વિશ્વ સામે નમૂનારૂપ સત્તામાળખું પ્રસ્તુત કરી રહી છે. 1975માં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટીનો સામનો ભારતીય જનતાએ મક્કમતાપુર્વક કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આ દેશમાં સરમુખત્યારશાહીને કોઇ સ્થાન નથી. આર્થિક મોરચે ભારતે કરેલી પ્રગતિના આજે સમગ્ર વિશ્વમાં ગુણગાન ગવાય છે અને તે આજે વિશ્વની પાંચમા ક્રમની આર્થિક મહાસત્તા બની ચૂક્યો છે. વિજ્ઞાન, ટેકનોલોજીમાં ભારતે સતત હરણફાળ ભરી છે. આમ ભારતીય ઉપખંડમાં એકમાત્ર ભારત જ સફળ, સ્વસ્થ અને સક્ષમ દેશ રહ્યો છે.