ગાંધીનગર: રાજ્યના તમામ ઝોનમાં સો ટકાથી વધુ વરસાદ થતા અને સંખ્યાબંધ તાલુકામાં 150 ટકાથી વધુ અતિવૃષ્ટિ પછી જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ કૃષિ પાકને અંદાજ કરતા વધુ નુકસાન થયું હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. હજ્જારો ગામડામાં ખરીફ વાવેતર-પાક ઉપર પાણી ફરી વળ્યા છે તો કેટલાક ખેતરમાં જમીનનું પણ ભારે ધોવાણ થયું છે. રાજ્ય સરકારે સર્વે શરૂ કરીને સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ જુલાઇ મહિના બાદ બીજી વખત પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય નહીં મળે તો દિવાળીના તહેવારો બગડે તેવી સ્થિતિ છે.
રાજ્યમાં ખરીફ પાકનું 96.24 ટકા જેટલું વાવેતર થયું છે. વરસાદ સારો રહેતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું હતું પરંતુ જુલાઇ મહિનામાં અને ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી લઇ સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજાના કહેરથી આજે અનેક ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ છે. રાજ્ય સરકારે જુલાઇમાં થયેલી અતિવૃષ્ટિ સામે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં વિધાનસભાના સત્રમાં સહાયની જાહેરાત કરી હતી પરંતુ જો હાલમાં થયેલા પાકને નુકસાનનો સર્વે થઇ જાય તે પછી તાત્કાલિક સહાય નહીં ચૂકવાય તો બેવડા ફટકાથી સંખ્યાબંધ ખેડૂતોની દિવાળી બગડે તેવી હાલત છે. બીજી તરફ વરસાદે વિરામ લીધા બાદ ખેતરોમાં થયેલા ભારે નુકસાનની વિગતો બહાર આવી રહી છે તેમ ખેડૂતોના કુલ વાવેતરમાંથી કેટલી ઉપજ થશે તે સવાલ છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વહારે આવવા સરકાર ઉપરાંત સમાજને પણ વિનંતી કરાઇ છે. સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી નાનો ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે જોવા માગણી કરી છે. જે સહાય આપવામાં આવે તે પોષણક્ષમ હોવા સાથે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે આપાતી લોનની રકમની મર્યાદા ત્રણ લાખની છે તે વધારીને પાંચથી સાત લાખ કરવા પણ માગણી કરાઇ છે. કેટલીક બેન્કો દ્વારા ઝીરો ટકા વ્યાજે અપાતી લોનના વ્યાજની રકમ ખેડૂતોના ખાતમાં જમા કરાઇ નહીં હોવાની ફરિયાદ પણ સંગઠન દ્વારા કરવામાં આવી છે.
4 હજાર ગામમાં ખેતીને નુકસાન
રાજ્યમાં તાજેતરમાં પડેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. અતિવૃષ્ટિથી 12 જિલ્લાનાં 4 હજાર ગામમાં ખેતીને નુકસાન થયું છે. જેમાં મગફળી, શેરડી, ડાંગર, શાકભાજીનાં પાક સહિત કપાસ, મકાઈ, તલ, દીવેલા, ડુંગળીનાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તેમજ 600 જેટલી કૃષિ વિભાગની ટીમ હાલમાં સરવેની કામગીરી કરી રહી છે. તેમજ વરસાદ ન આવે તો ઝડપથી સરવે પૂર્ણ થઈ શકે છે. ખેડૂતોને સમયસર અને યોગ્ય રીતે કૃષિ સહાય પ્રાપ્ત થાય તો તેઓ બેઠા થઈ શકે.
ખેડૂતો માટે કૃષિરાહત પેકેજની જાહેરાત
વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિરાહત પેકેજની જાહેરાત કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદથી ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિરાહત પેકેજ જાહેર કરાયું છે.
કૃષિમંત્રીએ રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપીનાં મળી કુલ 45 તાલુકામાં અનરાધાર વરસાદ વરસતાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સરવે હાથ ધરાયો છે, જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય અપાશે.
ખેતીને નુકસાનનો સરવે કરવા કેન્દ્રની ટીમ આવશે
ગુજરાતમાં પૂર અને અતિવૃષ્ટિના કારણે થયેલા વ્યાપક નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે ત્યારે ખરેખર થયેલા નુકસાનની વિગતો જાણવા માટે કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. આ તબક્કે રાજ્ય સરકાર પોતાનો રિપોર્ટ કેન્દ્રને સબમિટ કરશે. રાજ્ય સરકારે અત્યારે તો 14 જિલ્લાના અસરગ્રસ્તો માટે કેશડોલ્સ, ઘરવખરી-કપડાં સહાય, મૃતક વ્યક્તિ અને પશુના કેસમાં આર્થિક સહાય તેમજ મકાનને થયેલા નુકસાન પેટે ગ્રાન્ટમાંથી રૂ. 35 કરોડની સહાય કરી છે. પૂરના કારણે કુલ 49 લોકોના મૃત્યુ થયાં છે જે પૈકી અત્યાર સુધીમાં 22ના પરિવારને સહાય ચૂકવાઈ છે.
કચ્છમાં ઊભા પાકને ભારે નુકસાન
ગત સોમવારથી બુધવારે ત્રણ દિવસ દરમિયાન કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અબડાસા, નખત્રાણા, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદ્રા અને રાપરના ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ગયો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં તથા વાવાઝોડાથી મગફળી, કપાસ, એરંડા, બાગાયતી પાકો, પપૈયાં, કેળાંને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ છે. અબડાસામાં અંદાજિત 40 ઇંચ જેવો વરસાદ થઈ ચૂકયો છે અને અનરાધાર વરસાદ અને વાવાઝોડાંની અસરથી અબડાસામાં અંદાજિત 80 ટકા કપાસનું ધોવાણ થતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
ચાણસ્માના ભાયસણમાં 400 વીઘા પાક પાણીમાં ગરક
ચાણસ્માના ભાટસણ ગામના તળાવમાં આસપાસનાં ગામોમાંથી પાણીનો પ્રવાહ અવિરત ચાલુ રહેતાં તળાવ ઓવરફ્લો થયું હતું. આ પાણી આસપાસનાં ખેતરોમાં વહેતાં છેલ્લા 5 દિવસથી ગામના અંદાજે 80થી વધુ ખેતરોનો 400 વીઘા પાક પાણીમાં ગરકાવ થયો છે. જેમાં ખેડૂતો દ્વારા મુખ્ય કપાસ અને અડદ ઉપરાંત થોડા અંશે જુવાર અને જુવાર ઘાસચારાનું વાવેતર કર્યું છે. ખેતરમાં પાણી ન ઓસરતાં પાકોમાં કોહવાઈ ગયો છે. એમાં પણ કપાસના પાકમાં ફૂગ અને ગુલાબી ઇયળના કારણે નુકસાન થવાની શક્યતા છે.
મંગળવારે ઉમરગામમાં 4 કલાકમાં 10 ઈંચ, અંબાજીમાં પણ અનરાધાર
સુરતના ઉમરગામમાં મંગળવારે 4 કલાકમાં જ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એકસાથે ભારે વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયાં હતાં. ઉમરગામના નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાતાં અનેક વાહનો બંધ પડી ગયાં હતાં અને લોકો ભારે હેરાન થયા હતા. યાત્રાધામ અંબાજી ખાતે પણ ભારે વરસાદ પડતાં સંઘો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં મેઘરાજા વિરામના મૂડમાં
રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ગુજરાત રિજિયનમાં 28 ટકા વધુ, જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. જો કે 8 સપ્ટેમ્બરથી વરસાદની સિસ્ટમ ન હોવાના કારણે વરસાદનું જોર ઘટશે, પરંતુ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.